- 2019માં સગીરા ગાયબ થઈ જતા પરિજનોએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી
- બંને એક બીજાને પસંદ કરતાં હતા, પરંતુ સગીરાના પરિવારને યુવક પસંદ ન હતો
- સગીરા 18 વર્ષ પૂર્ણ થતાં બંનેએ લગ્ન કરી લીધા
બારડોલી: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે રહેતા મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદના પરિવારની 17 વર્ષની પુત્રી ગત્ત 12મી જૂન 2019ના રોજ કુદરતી હાજતે જવાનું કહી નીકળ્યા બાદ ગુમ થઈ જતા તેના પરિજનોએ કડોદરા જી.આઇ.ડી.સી. પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. એક વર્ષ બાદ પોલીસે સગીરા અને આરોપીને પકડી કોર્ટમાં રજૂ કરતા સગીરાએ કોર્ટ સમક્ષ તે પોતાની મરજીથી ભાગી ગઈ હોવાની કબુલાત કરતા કોર્ટે આરોપીને શરતી જામીન આપ્યા હતા.
શ્રમજીવી પરિવારની સગીર પુત્રી એક વર્ષ પહેલાં ગુમ થઈ હતી
મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનો શ્રમજીવી પરિવાર બે પુત્રો અને બે પુત્રી સાથે વાંકાનેડા ગામે રહી મજૂરી કામ કરે છે. ગત્ત વર્ષે 12મી જૂન 2019ના રોજ શ્રમજીવી પરિવારની 17 વર્ષની દીકરી કુદરતી હાજતે ગઈ હતી, પરંતુ ત્યારબાદ તે પરત ફરી ન હતી.
નજીકમાં રહેતો યુવક પણ લાપતા હોવાથી તેની સામે અપહરણની ફરિયાદ કરી હતી
પરિવારજનોએ શોધખોળ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેમની નજીકમાં જ રહેતો ધર્મેન્દ્ર ઉર્ફે મુકેશ મીજી બારૈયા પણ ગાયબ હતો. આથી પરિવારે જે તે સમયે ધર્મેન્દ્ર વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાવ્યો હતો.
એક વર્ષ બાદ પોલીસે પકડ્યા તો બંનેને એક સંતાન પણ હતું
એક વર્ષ બાદ પોલીસે સગીરા ઉપરાંત ધર્મેન્દ્રને ઝડપી લીધા હતા. સગીરા 18 વર્ષની થતા જ લગ્ન કરી લઈ બંનેને એક સંતાન પણ હતું. આથી જે બાદમાં પોકસો એકટની કલમ ઉમેરવાની અરજીને પણ કોર્ટે ગ્રાહ્ય રાખતા પોકસો એક્ટની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.
મરજીથી આરોપી સાથે ભાગી હોવાની સગીરાની કબુલાત
આ કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીના વકીલ મહેન્દ્ર સિંહ ડી.સોલંકીએ જામીન અરજી કોર્ટ સમક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, આ ગુનામાં ભોગ બનનારી જ્યારે પોતાના ઘરેથી ભાગી હતી ત્યારે તેણીની ઉંમર 17 વર્ષ 3 માસ હતી. તેણી પોતાની મરજીથી આરોપી સાથે ભાગી હતી. કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, અગાઉ બંનેની સગાઈ થઈ હતી અને બંને એકબીજાના પ્રેમમાં હતા, પરંતુ સગીરાના પરિવારજનો યુવકને પસંદ કરતાં ન હતા. જેથી આ ગુનાની ભોગ બનનારી યુવતી પોતે જ ઘરેથી ભાગી છૂટી હતી. 18 વર્ષ પૂર્ણ થતાં જ તેણીએ લગ્ન કરી લીધા હતા અને જેના થકી તેને એક સંતાન પણ છે. સગીરાએ ઉપરોક્ત બાબત સ્વીકારતા કોર્ટે યુવકને રૂપિયા 15 હજારના શરતી જામીન મંજૂર કર્યા હતા.