- કઠોર ગામે કાર ચાલકે યુવકને ટક્કર મારી
- અંગત અદાવતમાં ટક્કર મારી હોવાનો આરોપ
- પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી
સુરતઃ જિલ્લામાં કામરેજ તાલુકાના કઠોર ગામે આવેલી મેપલ વિલા સોસાયટીમાં એક કાર ચાલકે રોડ પર કામ કરી રહેલા યુવકને જાણી બુઝીને કચડી નાંખવાનો પ્રયાસ કરતાં યુવકની માતાએ કાર ચાલક વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. યુવકને કચડી નાંખવાના પ્રયાસની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.
યુવક ખસી ગયો છતાં જાણીબુઝીને મારી ટક્કર
કામરેજ તાલુકાનાં કઠોર ગામે સાયણ રોડ પર આવેલી મેપલ વિલા સોસાયટીમાં રહેતા સુરેશ લાલજીભાઈ ઇટાલિયા પેવર બ્લોક બનાવવાનું કામ કરે છે. ગત 13 જાન્યુઆરીના રોજ સુરેશભાઈનો છોકરો સંકેત પોતાના ઘરની બહાર ગટરમાં પાણીનો ભરાવો થતો હોય બ્લોક કાઢી ગટર સાફ કરી રહ્યો હતો, તે સમયે સાંજે સાત વાગ્યાની આસપાસ સોસાયટીમાં રહેતો જતિન જમન ડોબરિયા પૂરઝડપે કાર લઈને આવ્યો હતો અને સંકેત બાજુએ ખસી ગયો હોવા છતાં તેની તરફ કાર હંકારી લાવી ટક્કર મારી દીધી હતી.
કાર ચાલકે આપી ધમકી
આથી ત્યાં ઉપસ્થિત સંકેતની માતા અને અન્ય લોકો કાર પાસે ધસી ગયા હતા. જતિન કારમાંથી ઉતરીને મીનાબેનને કહ્યું કે, તારા ઘરવાળાને સમજાવી દેજે કે બધુ સંકેલી લે અને આવું તો થશે જ. જે થાય તે કરી લેજો એવી ધમકી આપી કાર લઈને નાસી છૂટ્યો હતો.
ઇજા થતાં યુવકને હોસ્પિટલ ખસેડાયો
કારની ટક્કરથી સંકેતને હાથ અને પગમાં ઇજા થતાં તેને કઠોર સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે સંકેતની માતાએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે જતિન ડોબરિયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અંગત અદાવતમાં આવું કર્યું હોવાનું માતાનો આરોપ
સંકેતના પિતા સુરેશભાઇ મેપલ વિલા સોસાયટીના પ્રમુખ છે અને મેપલ વિલા સોસાયટીના ડેવલપર સામે સોસાયટીના રહીશોએ સોસાયટીની જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કરવા બાબતે નામદાર કઠોર કોરમાં દાવો કરેલો છે. જે બાબતે જતિન ડોબરિયા મેપલ વિલાના ડેવલપરને સપોર્ટ કરતો હોય તેની અગંત અદાવત રાખી છેલ્લા દોઢ વરસથી માથાકૂટ કરતો આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.