- ચોર્યાસી ગામની ઘટના, પિતા પોલીસમાં હોવાથી પુત્ર પર હુમલો
- પોલીસ પુત્ર પર એક યુવકે હુમલો કર્યો
- ચપ્પુના ઘા ઝીંકનારા યુવકને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી
સુરતઃ ચોર્યાસી ગામની ઘટના હજીરા-સાયણ રોડ સ્થિત વરીયાવ 4 રસ્તા પાસે પોલીસ પુત્ર પર તેના મિત્રોની હાજરીમાં ભેંસાણ ગામના યુવાને છરા વડે હુમલો કર્યો હતો. અને તેણે કહ્યુ હતુ કે, તારા પિતા પોલીસમાં છે એટલા માટે તુ અમને હેરાન કરે છે. તેવું જણાવી પોલીસ પુત્ર પર છથી સાત ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જહાંગીરપુરા પોલીસ દોડતી થઇ હતી. પોલીસ પુત્ર પર ચપ્પુના ઘા ઝીંકનારા યુવકને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે.
ચોર્યાસી ગામની ઘટના
ચોર્યાસી તાલુકાના ભેંસાણ ગામના ટેકરા ફળીયામાં રહેતો અંકુર જમુ પટેલ અને કાન ફળીયામાં રહેતો મિહીર નટવર પટેલ ગત 2 ડિસેમ્બરે જહાંગીરપુરા સ્થિત સુંદરવન સોસાયટીમાં રહેતા મિત્ર અક્ષય રમેશ પટેલ અને તેના ભાઇ ચિંતન રમેશ પટેલને મળવા ગયા હતા. જયાંથી મોડી રાત્રે અંકુરની કારમાંમાં મિહીર અને અક્ષય ત્રણ મિત્રો હજીરા-સાયણ રોડ સ્થિત વરીયાવ ચાર પાસે આવેલી હોટલમાં જમવા ગયા હતા. રાત્રે જમ્યા બાદ હોટલની બહાર ઉભા રહી વાતચીત કરી રહ્યા હતા. ત્યારે તેમનો પરિચીત મયુર ઉર્ફે મયલો ઉર્ફે મહેશ કેશવ વેકરીયા બાઇક લઇ ત્યા ધસી આવ્યો હતો. મયુરે અક્ષય પટેલ સાથે ગાળાગાળી કરતા કહ્યું હતું કે, તારા પિતા પોલીસમાં છે અને અમને હેરાન કરે છે, જેથી અક્ષયે તેમને જવાબ આપ્યો હતો કે, મારા પિતાજી તેમની નોકરી કરે છે એમ કહેતા ઉશકેરાયેલા મયુર ઉર્ફે પોલીસ પુત્ર અક્ષય પટેલ હુમલો કર્યો હતો.
આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઇ
જેમાં અક્ષયને પેટ, છાતી, જમણા હાથના મસલ્સ, જાંઘ અને પીઠના ભાગે છથી સાત ઘા ઝીંકીયા હતા. અક્ષયને બચાવવા અંકુર અને મિહીરે પ્રયત્ન કર્યો હતો પરંતુ મયુરે તેમને પણ ધમકી આપી હતી કે, જો તમે વચ્ચે પડશો તો તમને પણ મારી નાંખીશ. તેમ છતા હિંમ્મત દાખવી અંકુર અને મિહીરે અક્ષયને બચાવ્યો હતો અને તુરંત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ઘટનાને પગલે જહાંગીરપુરા પોલીસ દોડતી થઇ ગઇ હતી અને મયુરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે