સુરત : કતારગામ વિસ્તારમાં મોટા પાયે હીરા ઉદ્યોગ આવેલા છે. જ્યાં લોકો મજૂરી મહેનત કરી ગુજરાણ ચલાવે છે, પણ કેટલાક દિવસોથી અહીં ગુંડા તત્વોએ આંતક મચાવ્યો છે. ગત રોજ રાત્રી દરમિયાન કતારગામ સ્થિત વિજય નગર એકમાં યુવક જાહેરમાં ચપ્પુ લઈ નીકળે છે અને લોકોને ડરાવે ધમકાવે છે. એટલું જ નહીં ત્યાં ઉંભેલી રીક્ષામાં બેસેલા લોકોને ચપ્પુ બતાવી ખિસ્સામાંથી રહેલા રૂપિયા અને મોબાઈલની લૂંટ ચલાવી અને ધમકી પણ આપે છે કે જો કોઈને આ ઘટના અંગે જાણ કરવામાં આવશે તો જાનથી મારી નાખવામાં આવશે.
આ સમગ્ર મામલે સીસીટીવી સામે આવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી આરોપી રાહુલ સોસાની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ આ રીતે કેટલા લોકોની સાથે લૂંટ કરી છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
હાલ તો કતારગામ પોલીસે રાહુલ સોસાની ધરપકડ કરી છે, પરંતુ કતારગામ વિસ્તારમાં આ જ રીતે અગાઉ પણ કેટલી વાર આવા લૂખા તત્વોએ રાત્રિ દરમિયાન ચપ્પુની અણીએ લોકો પર રોફ જમાવી લૂંટી ચલાવી હતી અને વધુ એક ઘટના સામે આવતા લાગી રહ્યું છે કે આવા અસામાજિક તત્વોને પોલીસનો કોઈ જ ખોફ નથી રહ્યો. જ્યાં એક બાદ એક પોતાના ગુનાને અંજામ આપી રહ્યા છે. જેને લઈ કતારગામ વિસ્તારમાં વેપારીઓ અને સ્થાનિકોઓ ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે.