સુરત: એપીએમસી માર્કેટમાં થ્રિ - વ્હીલ ટેમ્પોના પ્રવેશ પર પ્રતિબંધ હોવાના કારણે આજ રોજ મોટી સંખ્યામાં ટેમ્પો ચાલકો રજૂઆત માટે જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા.
માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ હોવાના કારણે ટેમ્પો ચાલકોને રોજીરોટી મળતી બંધ થઈ ગઈ છે. જેથી સરકારના ધારાધોરણો પ્રમાણે પ્રવેશ આપવામાં આવે તેને લઈ આવેદનપત્ર પાઠવી રજુવાત કરવામાં આવી હતી.
એપીએમસી માર્કેટના સંચાલકો અને તંત્રની ગાઈડ લાઇન ચુસ્ત પાલન કરાવવા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે થ્રિ વ્હીલ ટેમ્પો ચાલકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકતા તેઓની રોજીરોટી સામે સવાલ ઉભા થયા છે.
છેલ્લા દોઢ માસ જેટલો સમય લોકડાઉન ચાલ્યું અને તેમાં પણ માર્કેટમાં પ્રવેશ ન મળતા ચાલકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. માર્કેટ થ્રિ વ્હીલ ટેમ્પોના ચાલકોને સરકારના ધારાધોરણો પ્રમાણે પ્રવેશ આપવામાં આવે તેવી માંગ સાથે આજ રોજ જિલ્લા કલેકટર કચેરીએ ટેમ્પો ચાલકોનો મોરચો જોવા મળ્યો હતો. આ અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.