સૂર્યપુત્રી તાપી નદી કિનારે આવેલા શ્રીનાથ નિરંજનબાબા બદ્રિકાશ્રમ ટ્રસ્ટ સંચાલિત મંદિરની અગાસી પર 50 કિલોવોટની ક્ષમતા ધરાવતી સોલાર રૂફ ટોપ પેનલ લગાવવામાં આવી છે. સૂર્યનગરી સુરતમાં મંદિર ટ્રસ્ટ દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી છે. મંદિરમાં રૂપિયા 25 લાખના ખર્ચે લગાવાયેલી 50 કિલોવોટની ક્ષમતાવાળી સોલાર પેનલથી દૈનિક 190 કિલોવોટ વિજળી ઉત્પન્ન થઈ રહી છે. જ્યારે વાર્ષિક 69,000 કિલોવોટ વિજળી ઉત્પન થઈ રહી છે. અગાઉ મંદિરનાં વીજળી બિલની વાત કરીએ તો, દોઢ લાખથી બે લાખ સુધી વીજળીનું બિલ આવતું હતુ. પરંતુ જ્યારથી આ સોલાર સિસ્ટમ લગાવી છે, ત્યારથી બીલ શૂંન્ય થઈ ગયું છે. એટલુ જ નહી તેમને બીલમાં 5000થી 20,000 સુધીની ક્રેડીટ પણ મળી રહી છે.
એક સમયે આ મંદિરમાં લાખો રૂપિયાનું વીજળી બીલ આવતુ હતું. તેની પાછળનુ કારણ એ છે કે, મંદિર પ્રાંગણમાં મંદિર સિવાય લગ્નની વાડી, ગેસ્ટ હાઉસ, પાર્કિંગ જેવી અલગ અલગ સુવિધા છે. આખા પરિસરની વાત કરીએ તો 35થી વધુ AC, 60થી વધુ cctv, બહોળી સંખ્યામાં પંખા અને હજારોની સંખ્યામાં લાઈટ્સ છે. હવે આ બધા ઉપકરણો સોલાર સિસ્ટમથી ચાલી રહ્યાં છે. સોલાર સિસ્ટમથી વીજળીના બિલમાં થયેલ બચતના કારણે હવે મંદિરના ટ્રસ્ટ દ્વારા વધુ સોલાર પેનલ લગાવવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. હાલ જે સોલાર પેનલ છે, તેના કારણે 1062 ટન કાર્બનનું ઉત્સર્જન થતું અટકશે. ઉપરાંત 1000 જેટલા વૃક્ષો કપાતા બચી જશે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓ પણ મંદિરના સોલાર પેનલ વિશે જાણી આશ્ચર્યમાં મૂકાઈ જતા હોય છે. તેઓને પણ પ્રેરણા મળે છે કે, તેઓ મંદિરની જેમ પર્યાવરણના રક્ષણ માટે પોતાના ઘર અથવા કાર્યસ્થળ પર સોલાર પેનલ લગાવે.
પ્રકૃતિના માધ્યમથી પ્રકૃતિને કેવી રીતે બચાવી શકાય, પર્યાવરણનું રક્ષણ કેવી રીતે કરી શકાય, એ સૂર્યપુત્રી તાપી નદીના કિનારે આવેલા શ્રીનાથ નિરંજનબાબા બદ્રિકાશ્રમ ટ્રસ્ટે લોકોને શીખ આપે છે.