સુરતઃ તાપી નદી પરના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે. અત્યારે ઉકાઈ ડેમમાં 97,370 ક્યુસેક પાણી છે જ્યારે 1,49,754 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડી દેવામાં આવી રહ્યું છે. આ ડેમના 14 દરવાજા 5 ફિટ સુધી ખોલી નાંખવામાં આવ્યા છે. જેમાંથી આ પાણી તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે. જોકે નવા પાણીનો જથ્થો ઘટતા હાલ સુરત પંથકમાં પૂરનું સંકટ ટળી ગયું છે.
પાણીની આવક 97,370 ક્યુસેક થતા હાશકારોઃ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે કેચમેન્ટ વિસ્તારમાંથી ઉકાઈ ડેમમાં 17 સપ્ટેમ્બરના રોજ 4,23,000 ક્યુસેક પાણીની આવક થઈ હતી. જેથી આ પાણીને તાપીમાં છોડવામાં આવી રહ્યું હતું. તાપી બંને કિનારે ધસમસતી વહી રહી હતી. આ સ્થિતિમાં તંત્ર દ્વારા પૂરના સંકટ સામે લડી શકાય તે માટે તૈયારીઓ કરવામાં આવી હતી. જો કે આજે ત્રીજા દિવસે નવા પાણીની આવક માત્ર 97,370 ક્યુસેક થઈ છે.જેથી તંત્ર દ્વારા હાશકારો અનુભવવામાં આવ્યો છે. ઉકાઈ ડેમમાં પાણીનો જથ્થો ભયજનક સપાટી વટાવી ચૂક્યો હતો પરંતુ આજે પાણી ભયજનક સપાટી પરથી નીચે ઉતરીને માત્ર 342.58 ફિટની સપાટી પર આવી ગયું છે.
14 દરવાજા 5 ફિટ ખોલાયાઃ ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા ડેમની સપાટીને તેના રૂલ લેવલ 340 ફિટ સુધી લઈ જવાની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યારે ડેમમાંથી કુલ 1,49,754 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના માટે 14 દરવાજા 5 ફિટ ખોલી નાંખવામાં આવ્યા છે.
તંત્ર અને સ્થાનિકોને હાશકારોઃ પૂરનું સંકટ ટળતા જ તંત્ર દ્વારા રાહત કામગીરી શરૂ કરી દેવાઈ છે. પાણી ઓસરતા બંધ માર્ગો પર વાહન વ્યવહાર પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે. સ્થળાંતર કરવામાં આવેલા લોકોનું પુનઃ વસન ચાલુ કરી દેવામાં આવ્યું છે. ઉકાઈ ડેમમાં બે દિવસ ભયજનક સપાટી પર પહોંચેલા પાણીને પરિણામે સમગ્ર સુરત પંથકમાં પૂરનું જોખમ હતું. જે હવે ટળી જતા તંત્ર અને સુરતીલાલાઓએ રાહતનો શ્વાસ લીધો છે.