સુરત: શહેરમાં બે અલગ અલગ વિસ્તારમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા બે યુવકોએ આપઘાત કરી જીવન ટુંકાવી લીધું હતું. ઉલ્લેખનીય છે કે સુરત ડાયમંડ ઉદ્યોગ હાલ મંદીનો સામનો કરી રહ્યો છે. જેની સીધી અસર રત્નાકલાકારોની આર્થિક સ્થિતિ પર થઇ છે. રત્ન કલાકારોના પગારમાં 30 ટકાનો ઘટાડો થયો છે. 4 મહિનામાં 30થી વધુ રત્ન કલાકારોએ આપઘાત કર્યો છે.
સંતાનમાં એક માત્ર પુત્રનું મોત: બીજા બનાવમાં મૂળ બનાસકાંઠાના વતની અને હાલમાં વેડરોડ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ પાંચાભાઈ ચૌધરી રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓને સંતાનમાં એક પુત્ર પણ છે. તેઓએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
પરિવાર શોકમાં: મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં વરાછા કાળીદાસ નગર પાસે રહેતા 22 વર્ષીય રોહિત હંજરાજ શર્મા રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. તેને અગમ્યકારણોસર આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. તેને બે બહેન અને એક ભાઈ છે. બંને રત્નકલાકાર તરીકે કામ કરતા યુવકોના આપઘાતનું કારણ હાલ સામે આવ્યું નથી. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે આ પહેલા પણ સુરતમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી હતી. જેમાં રત્ન કલાકારે પોતાની પત્ની અને બે સંતાનો સાથે ઝેરી દવા પીને સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાત પાછળ આર્થિક તંગી કારણભૂત હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.