સુરત : દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના માંગરોળ, માંડવી, મહુવા, ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારોમાં બહોળી સંખ્યામાં ખૂંખાર દીપડા વસવાટ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ દીપડા જંગલ વિસ્તાર છોડી રહેણાક વિસ્તાર તરફ આવી રહ્યા છે. અવારનવાર દીપડા માનવ રહેણાંક વિસ્તારમાં આવી પાલતુ પ્રાણીઓનો શિકાર કરતા હોય છે. ત્યારે વધુ એક ખૂંખાર દીપડો શિકારની શોધમાં માનવ રહેણાંક તરફ આવ્યો હતો.
દીપડાનો હુમલો : સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અંત્રોલી ગામના સરપંચ જયેશ સોલંકીના ઘરમાં દીપડાએ હુમલો કર્યો હતો. ગત મોડી રાત્રે 12:00 વાગ્યા આસપાસ ખૂંખાર દીપડો આવ્યો હતો. તેણે ઘરના વાડામાં સાંકળથી બાંધેલ પાળતુ શ્વાનનો શિકાર કરવાની કોશિશ કરી હતી. જોકે, સદનસીબે શ્વાનના ગળામાં બેલ્ટ હોવાથી દીપડો શિકાર કરી શક્યો ન હતો. શ્વાન જોર જોરથી ભસવા લાગતા જયેશભાઈનો પરિવાર જાગી ગયો હતો. જેના કારણે દીપડાને મોઢામાં આવેલ શિકાર છોડી ભાગી જવાની ફરજ પડી હતી.
મોડી રાત્રે દીપડો આવ્યો હતો અને અમારા શ્વાન પર હુમલો કર્યો હતો. શ્વાનના ગળામાં બેલ્ટ હોવાથી શ્વાનનો બચાવ થયો છે. શ્વાનના ગાળાના ભાગે નાની ઈજાઓ થઈ છે. અમે હાલ સમગ્ર ઘટનાની જાણ કામરેજ વન વિભાગની ટીમને કરી છે. વન વિભાગની ટીમ પાંજરું મૂકે તે હાલ જરૂરી છે.-- જયેશ સોલંકી (સરપંચ, અંત્રોલી ગામ)
શ્વાનનો બચાવ : આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સાફ જોઈ શકાય છે કે, જ્યારે શ્વાન સુઈ રહ્યો હતો ત્યારે અચાનક દીપડો ત્યાં આવી પહોંચ્યો હતો. દીપડાએ શ્વાન પર હુમલો કરીને તેને ગળાના ભાગથી દબોચ્યો હતો. પરંતુ શ્વાનના ગળામાં પટ્ટો હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો. દીપડાનાં વધી ગયેલા આંટાફેરાને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સમગ્ર ઘટનાની જાણ કામરેજ વન વિભાગની ટીમને પણ કરી દેવામાં આવી છે.
દીપડાના આંટાફેરા : બે ત્રણ દિવસ પહેલા મોડી રાત્રીના સમયે સુરત જિલ્લાના માંડવી તાલુકાના બૌધાન ગામે પણ દીપડો નજરે ચડ્યો હતો. બૌધાન ગામે દીપડો કબ્રસ્તાનની દિવાલ પર બિન્દાસ લટર મારતો નજરે દેખાયો હતો. ત્યારે દીપડાના આંટાફેરાના દ્રશ્યો રસ્તા પર પસાર થઈ રહેલ એક કારચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. સદનસીબે દીપડાએ કોઈને નુકસાન પહોંચાડ્યું ન હતું. જેને લઇને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.