સુરત: શહેરમાં છેલ્લા વહેલી સવારથી પડી રહેલા અવિરત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શહેરના તમામ વિસ્તારમાં પાણી ભરાયા છે અને ખાસ કરીને ની જાણ વાળા વિસ્તારમાં એકથી બે ફૂટ પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવી પડી રહી હતી. આ વચ્ચે સુરતના સહારા દરવાજા ખાતે આવેલા રેલ્વે ઘટના નીચે એસ.ટીની એક બસ ફસાઈ ગઈ હતી.
બસ રેલવે ગરનાળા વચ્ચે ફસાઈ: વરસાદના પાણીના કારણે આ બસ રેલવે ગરનાળા વચ્ચે ફસાઈ જતા યાત્રીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. રેલવે ગરનાળા વચ્ચે આશરે અઢી ફુટ પાણીમાં ખાલી બસના યાત્રીઓ એક બાદ એક એકબીજાની મદદથી બહાર નીકળ્યા હતા અને જ્યારે તમામ યાત્રીઓ બસની બહાર નીકળી ગયા ત્યારે તેઓએ હાશકારો અનુભવ્યો હતો. બસમાં આશરે 15 થી 20 જેટલા યાત્રીઓ હતા.
ટ્રેનની મદદથી બસને બહાર કાઢી: એસ.ટી વિભાગના અધિકારી પી.વી.ગુર્જરએ જણાવ્યું હતું કે, વરસાદના પાણીમાં બસ ફસાઈ ગઈ હતી અને બંધ થઈ ગઈ હતી બસના યાત્રીઓ પોતે જ નીકળી ગયા હતા. કોઈ પણ પ્રકારની હાનિ થઈ નથી. જોકે ભારે વરસાદના કારણે ટ્રાફિક જામની સમસ્યા થઈ હતી તેથી બસ કાઢવા માટે ક્રેનની મદદ લેવાઈ શકે તેવી પરિસ્થિતિ નહોતી. આશરે દોઢ કલાક બાદ ટ્રાફિક ઓછું થતા ત્યાં ક્રેન મોકલવામાં આવી હતી અને ક્રેનની મદદથી બસને બહાર કાઢવામાં આવ્યો હતો. બસ તાપી જિલ્લાના વ્યારામાં જઈ રહી હતી.
ભારે વરસાદના કારણે વિદ્યાર્થીઓને હાલાકી: પુણાગામ ખાતે પણ શાળા ગયેલા વિદ્યાર્થીઓ જ્યારે શાળા પૂર્ણ થઈ અને બહાર નીકળ્યા ત્યારે જોયું કે બેથી ત્રણ ફુટ પાણી ભરાઈ ગયું છે. ભારે વરસાદને જોઈ વાલીઓ પણ પોતાના બાળકોને લેવા માટે શાળા પહોંચી ગયા હતા. પાણી ભરાઈ જતા મેયર હેમાલી ભોગાવાળા પણ આ વિસ્તારમાં પહોંચી ગયા હતા અને અધિકારીઓને સૂચના આપી હતી કે ઝડપથી આ વિસ્તારમાં પાણીનો નિકાલ થાય તેવી કામગીરી કરવામાં આવે.