સુરત : પોલીસ આમ તો બુટલેગરની ધરપકડ કરી દારૂ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે. પરંતુ સુરત શહેરમાં બે પોલીસકર્મીઓ જપ્ત કરેલી દારૂની બોટલો વેચી રહ્યા હતા. પોલીસે પોતાના જ પોલીસકર્મી અને હોમગાર્ડ વિરુદ્ધ આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી છે. પૈસાની લાલચમાં આ બંને જપ્ત કરાયેલા દારૂની બોટલો ખાનગી કારમાં છુપાવી હતી. જેને તેઓ વેચવા માંગતા હતા.
પોલીસકર્મી જ આરોપી : પોલીસમાંથી મળતી માહિતી અનુસાર સુરત પોલીસની PCR વાનમાં ફરજ બજાવનાર પોલીસકર્મી અને હોમગાર્ડ વિરુદ્ધ સુરત વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. પોલીસ કોન્સ્ટેબલ લખન અને હોમગાર્ડે વરાછા વિસ્તારમાં આવેલા પટેલ નગર વિસ્તારમાંથી બુટલેગર પાસેથી દારુની બોટલ જપ્ત કરી હતી. જોકે આ બંનેઓએ જપ્ત કરેલી દારૂની બોટલ પોલીસ સ્ટેશન લઈ જઈ અને કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે પોતાનો સ્વાર્થ સાધ્યો હતો. આ બંનેઓએ પોતાની પ્રાઈવેટ કપડું ઢાંકી કારને સરદાર ચોકી પાછળ પાર્કિંગમાં છુપાવી દીધી હતી.
આ દારૂની બોટલો તેઓ અન્યને વેચવા માટે મૂકી હતી. જેથી આ અંગેની જાણકારી બાદ વરાછા પોલીસે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલે હોમગાર્ડની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પોલીસ કોન્સ્ટેબલની શોધખોળ ચાલી રહી છે. -- ભક્તિ ઠાકર (ACP, સુરત પોલીસ)
દારુ છૂપાવ્યો : આ વચ્ચે પોલીસને બાતમી મળી હતી કે, પાર્ક કરેલી કારમાં કોઈ અજાણ્યા ઈસમોએ દારૂની બોટલ મૂકી છે. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી ત્યારે ચોંકી ઉઠી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ કાર પોલીસ કોન્સ્ટેબલ લખનની છે. ઉમરા પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ લખન અને હોમગાર્ડ મિલન વિરાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. હોમગાર્ડ મિલન વિરાણીની ધરપકડ પણ કરી લીધી છે. પોલીસે પાર્ક કરેલી કાર અને દારૂની બોટલ મળી કુલ રુ. 6.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ સમગ્ર તપાસ પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ACP ને તપાસ સોંપવામાં આવી છે.
આરોપીની ધરપકડ : આ અંગે ACP ભક્તિ ઠાકરે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, પોલીસ કોન્સ્ટેબલ લખન અને હોમગાર્ડ વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. વરાછા પોલીસને બાતમી મળી હતી કે કોઈ ગાડીની અંદર દારૂની હેરાફેરી કરવા માટે દારૂની બોટલ મૂકવામાં આવી છે. આ અંગેની બાતમી પોલીસ કોન્સ્ટેબલ લખનએ આપવામાં આવી હતી. આ લોકો ત્યાંથી દારૂની બોટલ લઈને પોલીસ સ્ટેશન આવવાના બદલે ખાનગી કારમાં મૂકી દીધી હતી.