પ્રાપ્ત વિગતો મુજબ, અમરોલીના ભરથાણ કેનાલમાંથી ગત રોજ અજાણ્યા યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસને મૃતક યુવકના પેન્ટના ખિસ્સામાંથી એક પાકીટ અને આધારકાર્ડ મળી આવ્યું હતું. જે પરથી મૃતકની ઓળખ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક પરેશ પટેલ કામરેજના પાસોદરા ખાતે આવેલ ઓમ ટાઉનશીપનો રહેવાસી છે. મૃતક પરેશભાઈ એમ્બ્રોડરીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને વિપુલ, જગદીશ, રવિ સહીત અન્ય ઈસમો દ્વારા તેની પાસે અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. પરેશભાઈ પાસે નીકળતા રૂપિયા કઢાવવા રવિ, વિપુલ, જગદીશ સહિતના ઈસમોએ ઢોર માર મારી તેની હત્યા કરી નાખી હતી.
હત્યા બાદ શરીર ના પગ અને હાથ દોરડા વડે બાંધી કોથળામાં ભરી મામલો રફેદફે કરવા મૃતદેહને અમરોલી સ્થિત ભરથાણ કેનાલમાં નાખી દેવામાં આવી હતી. આ પ્રકારે પરેશભાઈની રૂપિયાની લેતી-દેતી મામલે આરોપીઓએ હત્યા કરી મામલો રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.