સુરત: સરકાર દ્વારા વિના મુલ્યે સરકારી અનાજનું વિતરણ શરૂ કરાતા બુધવારે સવારથી જ સસ્તા અનાજની દુકાનો પર લાંબી કતારો લાગી હતી. કોરોનાના સંક્રમણથી બચવા સતત સોશિયલ ડિસ્ટન્સિંગનો પ્રચાર અને પ્રયાસ કરાઇ રહ્યો છે. જે સરકારી દુકાનોમાં અનાજ વિતરણ સમયે માત્ર કાગળ પર દેખાયું હતું.
કેટલીક દુકાનો સમય પર નહીં ખૂલતા કે બપોરે બંધ કરી દેવાની ફરિયાદ પણ ઉઠી હતી. કોરોના ચેપગ્રસ્ત હોવા છતાં કેટલાંક દુકાનદારોએ ગ્રાહકો પાસે ફિંગર પ્રિન્ટનો આગ્રહ રાખ્યો હતો. સુરતના અલગ અલગ વિસ્તારમાં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે તો બીપીએલ રાશન કાર્ડ ધારકો દ્વારા અનાજ લેવા આવતી વખતે શહેરના મોટા ભાગના દુકાનદારોએ સર્કલ બનાવી તેનો અમલ કરવા માટે ગ્રાહકોને જણાવ્યું હતું.
આ ઉપરાંત વરાછા, કાપોદ્રા, અડાજણ રાંદેરની ધણી દુકાનોમાં સાવચેતીના ભાગ રૂપે સેનેટાઇઝરથી ગ્રાહકોના હેન્ડ સેનેટાઇઝ પણ કરાવ્યા હતા.