સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કોઈપણ પ્રકારના ટેન્ડર બહાર પાડ્યા વગર દસ લાખ ઉત્તરવહીનું ઓનલાઇન ચેકિંગ કરવાનું કામ મહારાષ્ટ્રની એક કંપનીને સોંપી દેવાનું કોભાંડ સામે આવ્યું છે. અગાઉ પેપર ચેકીંગ માટે પ્રોફેસરને 30 રૂપિયા પ્રતિ ઉત્તરવહી આપવામાં આવતા હતા પરંતુ હવે કંપની સ્કેન કરવા માટે પ્રતિ ઉત્તરવહી રૂપિયા 35 લઈ રહી છે. ઘણા વિદ્યાર્થીઓએ રીઝલ્ટમાં ભૂલની શક્યતા પણ જાહેર કરી છે.
વાઇસ ચાન્સલર માનવા તૈયાર નથી : પ્રોફેસરને એક પેપર ચેક કરવા માટે રૂ.30 આપવામાં આવતા હતા. હવે કંપની સ્કેન કરી જે એક ઉત્તરવહી ચેક કરે છે તેને લઈ યુનિવર્સિટી તરફથી રૂ.35 આપવામાં આવે છે. કોઈપણ ટેન્ડર વગર કરોડો રૂપિયાનું કામ પ્રાઇવેટ કંપનીને સોંપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ સાથે વાત થઈ છે. અમને લાગે છે કે 5,000 કરતા પણ વધુ ભૂલોની શક્યતા છે. ખાસ કરીને બીએસસી અને બીકોમમાં જે વિદ્યાર્થીઓ હોશિયાર છે તેઓ પણ નાપાસ થયા છે. દસ દિવસમાં 100 થી પણ વધુ ફરિયાદ અત્યાર સુધી ઓનલાઇનના પેપર ચેકીંગમાં ગડબડની આવી ચૂકી છે. તેમ છતાં વાઇસ ચાન્સલર માનવા તૈયાર નથી...ભાવેશ રબારી (સિન્ડિકેટ મેમ્બર,વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી )
ઓનલાઇન ઉત્તરવહી ચકાસવામાં વધારે ખર્ચ આ તો હાલમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું ઉત્તરવહી તપાસણી કૌભાંડ બહાર આવ્યું, પણ કેટલાક સમયથી એક બાદ એક અને એક નિર્ણયોના કારણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં રહી છે. તે પણ ઉત્તરવહી ચકાસવા માટે કોઈપણ પ્રકારના ટેન્ડર બહાર પાડ્યા વગર યુનિવર્સિટી તરફથી આ કાર્ય પુણેની એક કંપનીને આપવા આવતા વિવાદ સર્જાયો છે. યુનિવર્સિટી તરફથી આ કાર્ય પુણેની વિશાઈન ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આપવામાં આવ્યું છે. જેના કારણે હવે ઓફલાઈન કરતા ઓનલાઇન ઉત્તરવહી ચકાસવામાં વધારે ખર્ચ થઈ રહ્યો છે.
5.24 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી : પરીક્ષાની કામગીરી જે હોય છે તે અત્યંત ગોપનીય હોય છે અને પરીક્ષાને પરિણામ એ સામાન્ય સંજોગોમાં બારેમાસ ચાલતી પ્રક્રિયા છે. જેથી આ પ્રક્રિયાની અંદર અમારા યુનિવર્સિટીમાં 5.24 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. હજાર જેટલા શિક્ષકો અલગ અલગ વિષય વાર ભણાવતા હોય છે. 9000 પ્રશ્નપત્ર નીકળતા હોય છે.ટ્રાન્સપરન્સી મેન્ટેન રહે છે...કિશોરસિંહ ચાવડા (કુલપતિ વીએનએસજીયુ)
15 થી 45 દિવસમાં પરિણામ આપી દીધાં : વીએનએસજીયુના વાઇસ ચાન્સલર કિશોરસિંહ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે આ તમામ વસ્તુઓ એક જ જગ્યાએ થાય તો ટ્રાન્સપરન્સી રહેશે. જેથી એક જ એજન્સી પાસે આ પ્રક્રિયા કરાવવામાં આવે છે. જેથી આ ટ્રાન્સપરન્સી મેન્ટેન રહે. જેથી પહેલીવાર તમામ પરિણામો 15 થી 45 દિવસમાં જાહેર પણ કરી શક્યા. 15 જૂનથી 21 જૂન સુધી જેના પ્રવેશ બાકી હોય તે સિવાય મોટાભાગના પ્રવેશ થઈ ગયા છે.