સુરત : ભાડાના મકાનમાં રહેતા LIC એજન્ટની દીકરી યુપીએસસીની પરીક્ષા પાસ કરી 'અફસર બીટિયા' બની ગઈ છે. જોકે દેશની સૌથી મુશ્કેલ પરીક્ષા પાસ કર્યા બાદ પણ તે પાછી યુપીએસસીની પરીક્ષા આપી રહી છે. કારણ કે અંજલિ ઠાકુરનું લક્ષ્ય યુપીએસસી પરીક્ષાને પાસ કરવાનું નહીં પરંતુ સારો રેન્ક મેળવી કલેકટર બનવાનું છે. આ માટે તેણે પ્રણ લીધું છે કે જ્યાં સુધી તે કલેકટર નહીં બનેે ત્યાં સુધી તે યુપીએસસીની પરીક્ષા સતત આપતી રહેશે.
એકવાર પાસ કરી લીધી યુપીએસસી : સુરત શહેરના પાંડેસરા વિસ્તાર ખાતે આવેલા એક ભાડાના મકાનમાં રહેતા અજય ઠાકોર મૂળ બિહારના રહેવાસી છે તેઓ એલઆઇસી એજન્ટ છે. તેમની દીકરી અંજલિ ઠાકુરે ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં દિવસ રાત મહેનત કરી યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે. કોઈ મોટા કોચિંગ કે મોંઘા મટીરીયલ વગર તેને લક્ષ્યની પ્રાપ્તિ માટે રાત દિવસ મહેનત કરી અને યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી છે.
સારો રેન્ક જોઇએ છે : જોકે હજુ સર્વિસ એલોટમેન્ટ બાકી છે તેમ છતાં તેને બીજીવાર યુપીએસસીની પરીક્ષા આપી છે. લોકો વિચારતા હશે કે એક વખત યુપીએસસીની પરીક્ષા પાસ થયાં બાદ અર્ચના ફરી એક વખત યુપીએસસીની પરીક્ષા શા માટે આપી રહી છે? કારણ કે પોતાના રેન્કથી સંતુષ્ટ નથી તે આઈએસ બનવા માંગે છે આ જ કારણ છે કે તેને નિશ્ચિત કર્યું છે કે જ્યાં સુધી સારો રેન્ક નહીં મેળવે ત્યાં સુધી તે નોકરીની સાથે પરીક્ષા આપતી રહેશે.
પુસ્તકો રાખવા માટે પણ જગ્યા પર્યાપ્ત નથી : અંજલી ભાડાના મકાનમાં રહે છે. મકાન ખૂબ જ નાનું છે. તેમને ત્યાં પુસ્તકો રાખવા માટે પણ જગ્યા પર્યાપ્ત નથી જેથી મંદિરની નીચે તેને અથવા તો બેડ ની અંદર પુસ્તકો મૂકે છે. અંજલી સ્ટડી રૂમ ન હોવાના કારણે તે લાઇબ્રેરી જઈને કલાકો સુધી ભણતી હતી એટલું જ નહીં સોશિયલ મીડિયાથી પણ દૂર રહેતી હતી. મોંઘા મટીરીયલ ખરીદવા માટે વિચાર કરવો પડતો હતો. જેથી અનેક મટીરીયલ તેને જાતે તૈયાર કર્યા હતા. આજના બાળકો જ્યાં સ્માર્ટ ટીવી જોઈને સ્માર્ટ બનવા પ્રયત્ન કરે છે જયારે પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ દિવસ રાત મહેનત કરી યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે.
યુપીએસસી 2022 માં મારું સિલેક્શન થયું છે. તૈયારી કોલેજના સમયથી જ શરૂ કરી છે. કોરોનાના સમયે સેલ્ફ સ્ટડી કરી જ્યારે બધું જ બંધ થઈ ગયું હતું. વર્ષ 2021માં પ્રિલિમ્સ અને મેન્સ પાસ કરી પરંતુ ઇન્ટરવ્યૂમાં રહી ગયું હતું.ત્યાર પછી વર્ષ 2022 માં ફરીથી પરીક્ષા આપી. જેમાં મારું ફાઈનલ સિલેક્શન થઈ ગયું છે.યુપીએસસીની સાથે જીપીએસસી માટે પણ પરીક્ષા આપી હતી. જ્યારે પ્રથમ વાર યુપીએસસી અને જીપીએસસીમાં પ્રિલીમ્સ અને મેન્સ ક્લિયર કર્યા બાદ ઇન્ટરવ્યૂમાં સિલેક્શન થયું નથી ત્યારે મોટું સેટ બેક લાગ્યું હતું. પણ મહેનત કરી અને વર્ષ 2022માં આખરે સિલેક્શન થયું છે...અંજલિ ઠાકુર (યુપીએસસી પરીક્ષા પાસ )
પરિવારનો સાથ : તેણે વધુમાં જણાવ્યું હતું કે, સ્ટડી રૂમ અલગથી નથી જેથી હું લાઇબ્રેરી જઈને ભણતી હતી. ત્યાં હું આઠ કલાક ભણતી હતી. ઘરે આવીને ફરીથી ભણતી. આજે પણ હું ભાડાના મકાનમાં રહું છું. આર્થિક રીતે મુશ્કેલીઓ આવતી પરંતુ પરિવારના સાથના કારણે આ મુશ્કેલીઓ પણ દૂર થઈ ગઈ. હાલ જે યુપીએસસીનું રિઝલ્ટ આવ્યું છે તેમાં સર્વિસ એલોકેટ કરવામાં આવ્યું નથી. જ્યારથી યુપીએસસીની તૈયારી શરૂ કરી ત્યારથી જ લક્ષ્ય છે કે આઈએએસ બનવું છે. જ્યાં સુધી આઈએએસ નહીં બની જાઉં ત્યાં સુધી પરીક્ષા આપતી રહીશ.
પિતાનો પ્રતિભાવ : અંજલિના પિતા અજય ઠાકુર જણાવ્યું હતું કે, આજે અમે ભાડાના મકાનમાં રહીએ છીએ તો તમે સમજી શકો છો કે આર્થિક પરિસ્થિતિ સારી નથી પરંતુ બાળકોના ભવિષ્ય માટે અમે તમામ કાળજી લઈએ છીએ અને ભણતરમાં કોઈ સમસ્યા ન આવે તે હંમેશા ધ્યાન રાખવામાં આવ્યું છે. મારી દીકરીએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે આ અંગે હું શબ્દોમાં કશું કહું તો તે પણ ઓછું રહેશે હું ખૂબ જ ખુશ છું.