સુરત: સુરતના ઓલપાડ તાલુકામાં થયેલી જૂથ અથડામણ મામલે ગ્રામ પંચાયતના બે સભ્યોને માઠા પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે. ઉચ્ચ અધિકારીએ સીધુ સસ્પેન્ડ કરવાનું પગલું ભરતા જિલ્લા તથા તાલુકા કક્ષા એ રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે, આ ઘટનાના રાજકીય પડઘાથી પંચાયતની લોબીમાં હડકંપ મચી ગયો છે.એટલું જ નહિં સમગ્ર ઘટનાનો આખો રિપોર્ટ જમાં કરાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
200 ના ટોળા સામે ગુનો: ઘટનાની જાણ સુરત જિલ્લા પોલીસને થતા સુરત ગ્રામ્ય પોલીસ વડા સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. ગણતરીની કલાકોમાં સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સબુતોના આધારે 200 ના ટોળા સામે ગુનો નોંધ્યો હતો. ત્રણથી ચાર દિવસ જિલ્લા પોલીસએ ઓલપાડ ટાઉનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અસમાજિક તત્વો પર બાજ નજર રાખી હતી.
મામલતદાર કચેરી ખાતે બેઠક: સમગ્ર ઘટનામાં સુરત જિલ્લા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. ગુનામાં સંડોવાયેલા એક પછી એક ઇસમની અટક કરવામાં આવી હતી. ત્યારે તપાસ દરમિયાન ઓલપાડ ગ્રામ પંચાયતના સભ્ય અને ભાજપના નેતા નસિમુલ ગની પટેલ અને કોંગ્રેસના મેગા અને ઓલપાડ ગ્રામ પંચાયતના સભ્ય વસીમ રાજા શબ્બીર મલેકની અટક કરી હતી.પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ઓલપાડ ટાઉનમાં શાંતિ જળવાઈ રહે તે માટે ઓલપાડ પોલીસે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના અગ્રણીઓ સાથે ઓલપાડ મામલતદાર કચેરી ખાતે બેઠક યોજી હતી.
સમગ્ર ઘટનાનો રિપોર્ટ: ઓલપાડ તાલુકામાં શાંતિ જળવાઈ રહે તેવી અપીલ કરાઇ હતી. તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેવું સ્પષ્ટ કહી દેવાયું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ ઘટનાઓ રિપોર્ટ માંગ્યો હતો.સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી પાસે સમગ્ર ઘટનાનો રિપોર્ટ માંગ્યો હતો. શરમજનક કૃત્ય ગણી બન્ને ગ્રામ પંચાયતના સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ઓલપાડ તાલુકાનું રાજકારણ ગરમાઇ ગયું છે.