સુરત : શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોનું સરાહનીય કાર્ય સામે આવ્યું છે. સુરતમાં મનપાની સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતાં. પરંતુ ખેતમજુરના દીકરા હતા અને ઝુપડામાં રહીને સ્ટ્રીટ લાઈટના અજવાળામાં અભ્યાસ કરતા હતા. આ વાત શિક્ષકોને ધ્યાને આવતા શિક્ષકો અને આચાર્યએ સ્વખર્ચે તેઓના ઘરમાં સોલાર સીસ્ટમ લગાવી આપી હતી. ઘરમાં પહેલું વખત અજવાળું થતા વિદ્યાર્થીએ કહ્યું કે હવે હું વધુ ભણીને ડોક્ટર બનીશ.
વિદ્યાર્થીઓ અભ્યાસમાં ખુબ જ તેજસ્વી : શાસ્ત્રોમાં ગુરુ દેવો ભવ કહેવાયું છે. કારણ કે માતા પિતા બાદ સૌથી વધુ કોઈ કાળજી અને ધ્યાન રાખતું હોય તે તે ગુરુ હોય છે. વ્યક્તિના જીવનમાં શિક્ષા ખુબ જ મહત્વની હોય છે કારણ કે એક શિક્ષિત વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિનો જીવનમાં સામનો કરી શકે છે. ત્યારે સુરતમાં ગુરુના કારણે વિદ્યાર્થીઓના ઘરે અને જીવનમાં રોશની થઇ છે. વાત કંઇક એમ છે કે સુરતમાં ગોડાદરા વિસ્તારમાં ડો.અબ્દુલ કલામ પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં દેવીપુત્ર પૂનમ વિજયભાઈ, દેવીપુત્ર વિક્રમ વિજયભાઈ, અને દેવીપુત્ર સીમા વિજયભાઈ અભ્યાસ કરે છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ અભ્યાસમાં ખુબ જ તેજસ્વી છે.
હું ડો.અબ્દુલ કલામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. હું ઘરે અગાઉ સ્ટ્રીટ લાઈટના અજવાળામાં અભ્યાસ કરતો હતો. પરંતુ મારી મહેનત જોઇને સર ઘરે આવ્યા હતાં. તેઓએ ઘરની પરિસ્થિતિ જોઈ હતી અને તેઓએ ઘરમાં સોલાર પેનલ લગાવી આપ્યું છે. હવે મને અભ્યાસ કરવામાં સરળતા રહેશે. હવે હું અભ્યાસમાં વધુ મહેનત કરીશ અને સારા માર્ક્સ લાવીને પાસ થઇશ. હું મોટો થઈને ડોક્ટર બનવા માંગુ છું. હું શિક્ષકોનો જિંદગીભર આભારી રહીશ...દેવીપુત્ર વિક્રમ (વિદ્યાર્થી)
લાઈટની વ્યવસ્થા ન હતી : એક દિવસ શાળાના શિક્ષક હસમુખભાઈએ તેઓના ઘરની મુલાકાત લીધી હતી અને તેઓ ચોકી ઉઠ્યા હતા. કારણ કે ત્રણેય વિદ્યાર્થીઓ ખેત મજુરના દીકરા હતા અને તેઓ પર્વત પાટિયા ખાતે આવેલા એક ખેતરમાં ઝુપડામાં રહેતા હતા. અહી લાઈટની પણ વ્યવસ્થા ન હતી તેમજ સ્ટ્રીટ લાઈટના અજવાળામાં અભ્યાસ કરતા હતા. આ જોઈ શિક્ષક હસમુખભાઈ ચોકી ઉઠ્યા હતા અને તેઓએ આ વિદ્યાર્થીઓની મદદ કરવાનું વિચાર્યું હતું. તેઓએ શાળાના દીપકભાઈ ત્રિવેદીને આ વાત કરી હતી. શાળામાં આ અંગેની જાણ થતા અન્ય શિક્ષકો પણ આગળ આવ્યા હતા અને સૌ શિક્ષકોએ વિદ્યાર્થીઓના ઘરે સોલાર સીસ્ટમ લગાવવાનું નક્કી કર્યું હતું.
જીવનમાં પણ ઉજાશ થાય એવી પ્રાર્થના આચાર્ય દીપકભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમે બાળકના ઘરે ગયા હતાં. જ્યાં અમને જાણવા મળ્યું હતું કે બાળક અભ્યાસમાં ખુબ જ હોશિયાર છે પરંતુ તે સ્ટ્રીટ લાઈટ નીચે અભ્યાસ કરે છે. જેથી અમે શિક્ષકો સાથે ચર્ચા કરી હતી અને ઘરે સર્વે કરીને સોલાર પેનલ લગાવ્યું છે. સોલાર પેનલ લગાવનાર વ્યક્તિ સાથે અમે મુલાકાત કરી હતી એમણે પણ આ કામમાં સહભાગી થયા હતા અને સાથે મળીને બાળકના ઘરે સોલાર લગાવ્યું છે. જેમ બાળકના ઘરે ઉજાશ થયો છે તેમ તેના જીવનમાં પણ ઉજાશ થાય એવી હું પ્રાર્થના કરું છું...દીપકભાઈ ત્રિવેદી (આચાર્ય)
માત્ર 8 હજારમાં જ પેનલ ફીટ કરી આપી : શ્રમિક પરિવારના આ ત્રણેય વિદ્યાર્થીઓ ધો. 6 ની પરીક્ષા પણ સારા માર્કેસ પર પાસ કરી છે અને હવે તેઓ ધો.7 માં અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષકોએ તેઓના ઘરે સોલાર પેનલ લગાવવાનું નક્કી કર્યા બાદ તપાસ કરતા 15 હજારનો ખર્ચ આવતો હતો.તેઓએ વિદ્યાર્થીઓના ઘરે સોલાર લગાવાનું આ કામ આશિષ ધનાણીને સોપ્યું હતું. પરંતુ જયારે આશિષભાઈને પણ શિક્ષકોના આ અનોખા વિદ્યાદાન વિષે માલુમ પડ્યું તો તેઓએ પણ 15 હજારની જગ્યા પર માત્ર 8 હજારમાં જ પેનલ ફીટ કરી આપી પોતાનું પણ યોગદાન આપ્યું હતું.
સોલાર લાઇટથી લાભ : વિદ્યાર્થીઓના ઘરે સોલાર પેનલ થકી અજવાળું થયું છે સાથે ઘરે રસોઈ બનાવવામાં તેમજ અભ્યાસ કરવામાં સરળતા રહેશે. ઘરે અજવાળું થતા વિદ્યાર્થીઓ અને તેના વાલીઓમાં ખુબ જ ખુશી જોવા મળી હતી અને તેઓએ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.