સુરત : નોટિસ આપવા બાદ પણ ટેક્સ નહીં ભરનાર 3,359 વાહનોને સુરત આરટીઓએ બ્લેક લિસ્ટ જાહેર કર્યા છે. સ્ક્રેપ પોલિસી અંતર્ગત ટેક્સ નહીં ભરનાર હવે ફેસિલિટી સેન્ટરમાં વેહિકલ સ્ક્રેપ નહીં કરાવી શકે. વાહન વ્યવહાર કમિશનરના આદેશ બાદ સુરતના ઇન્ચાર્જ આરટીઓ દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ખાનગી બસ અને ગુડસ્ ટ્રકનો સમાવેશ : ટેક્સ ભરપાઈ કરવામાં ગલ્લાંતલ્લા કરી રહેલા 3359 વાહન ચાલક સામે જે કાર્યવાહી આરટીઓ દ્વારા કરવામાં આવી છે તે ચોક્કસથી આજીવન યાદ રહેશે. આ તમામ વાહનોને સુરત ઇન્ચાર્જ આરટીઓ દ્વારા બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. આ વાહનોમાં મોટી સંખ્યામાં ખાનગી બસ અને ગુડસ્ ટ્રકનો સમાવેશ છે. જેના વાહન માલીકો ઘણા સમયથી ટેક્સ ભરવામાં આનાકાની કરી રહ્યા હતાં. આ તમામ લોકોને આરટીઓ તરફથી વારંવાર નોટિસ ફટકારવામાં આવી હતી તેમ છતાં તેઓ ટેક્સ ભરવા માટે તૈયાર નહોતાં.
વારંવાર નોટિસ ફટકારવા બાદ પણ કેટલાક વાહન માલિકો દ્વારા ટેક્સ ભરપાઈ કરવામાં આવી નથી. હાલ આરટીઓમાં કુલ 3,359 આવા વેહિકલ છે. જેના 53.31 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે. આ તમામ લોકોએ સમયસર ટેક્સની ભરપાઈ કરી નથી. સમયસર આ લોકો ટેક્સ ભરે આ માટે તેમને નોટિસ પણ ફટકારવામાં આવી હતી જેને આ લોકોએ નજર અંદાજ કર્યા છે જેથી 3,359 વાહન માલિકોના વહીકલ અમે બ્લેક લિસ્ટ કર્યા છે...આકાશ પટેલ (સુરત ઇન્ચાર્જ આરટીઓ)
કોઈ પણ પ્રકારની કામગીરી પણ કરી શકશે નહીં : આ તમામ વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યાં છે. જોકે સૌથી અગત્યની વાત આ છે કે હવે આ વાહનના માલિકો વાહનોને ફેસિલિટી સેન્ટરમાં સ્ક્રેપ પણ કરાવી શકશે નહીં. સાથે જ્યાં સુધી આ ટેક્સની ભરપેટ વાહન માલિકો દ્વારા કરવામાં નહીં આવે ત્યાર સુધી તેઓ આ વાહન કોઈને ટ્રાન્સફર અથવા તો આ વાહનને લઈ કોઈ પણ પ્રકારની કામગીરી પણ કરી શકશે નહીં.
વાહનો બ્લેકલિસ્ટ : અત્રે ઉલ્લેખનીય છે કે લક્ઝરીયસ બસ સીટિંગ કેપેસિટી પ્રમાણે આરટીઓમાં ટેક્સ ભરતા હોય છે બીજી બાજુ ગુડસ ટ્રક માટે પણ નિર્ધારિત ટેક્સ પ્રમાણે ભરપાઈ કરતા હોય છે પરંતુ જે વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. તેમના માલિકોએ આ નિયમ મુજબ 53.31 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી રાખી ટેક્સની ભરપાઈ કરી નહોતી.