સુરત: અમદાવાદના પોશ એરિયામાં એક ખાનગી બસ ચાલકે સિગ્નલ જોઈ ઊભા રહેલા બાઈક પર સવાર યુગલને અડફેટે લેતા યુવતીને ગંભીર ઇજાઓ થઈ હતી.જેમાં યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમને લઈ પ્રતિક્રિયા આપતાં સુરતના વરાછા વિસ્તારના ધારાસભ્ય કિશોર કાનાણીએ જણાવ્યું હતું કે મારા વિસ્તારમાં ભારે વાહનો ન આવે એ માટે લડત કરી હતી. પરંતુ હજુ પણ સુરત શહેરના કેટલાક વિસ્તારમાં ભારે વાહનો પ્રવેશ કરે છે. સુરત પોલીસેે આ મુદ્દે કડક કાર્યવાહી કરવી જોઈએ.
ભારે વાહનોના પ્રતિબંધિત સમયમાં પ્રવેશ : અમદાવાદમાં પ્રતિબંધિત સમય દરમિયાન લક્ઝરી બસ શહેરમાં પ્રવેશી હતી અને ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેલા યુગલને અડફેટે લેતા યુવતીના માથા પર ગંભીર ઇજાઓ થઈ હતી અને ઘટના સ્થળે જ યુવતીનું મોત નીપજ્યું હતું. આ ચકચારી ઘટનાની અસર હવે સુરતમાં પણ જોવા મળી રહી છે. સુરતમાં પણ અનેકવાર પ્રતિબંધિત સમય પર ભારે વાહનો પ્રવેશ કરે છે અને દુર્ઘટના સર્જાય છે. આ માટે વરાછાના ધારાસભ્ય ભાજપના કિશોર કાનાણીએ લડત પણ ઉપાડી હતી તેનું સ્મરણ કરાવ્યું હતું.
અમદાવાદમાં જે ઘટના બની છે તેમાં પ્રતિબંધિત સમયની અંદર બસનો પ્રવેશ થયો છે અને એક યુવતીનું મૃત્યુ થયું છે. ખૂબ જ ગંભીર ઘટના છે. મારા વિસ્તારમાં હાલ પ્રતિબંધિત સમય દરમિયાન પર ભારે વાહનોના પ્રવેશની ઘટના ઓછી થઈ છે. પરંતુ અન્ય વિસ્તારોમાં હજુ પણ ભારે વાહનો પ્રવેશ કરી રહ્યા છે અને પોલીસ આ માટે યોગ્ય પગલાં ભરે...કિશોર કાનાણી, ધારાસભ્ય
સુરતની અંદર લડત આપી : ધારાસભ્ય કિશોર કાનાણીએ જણાવ્યુ હતું કે આવી ઘટનાઓ ન બને અને પ્રતિબંધિત સમયની અંદર ભારે વાહનોનો પ્રવેશ ન થાય અને ટ્રાફિકની સમસ્યા ન ઉદ્ભવે. આવી ગંભીર દુર્ઘટનાઓ ન થાય આ માટે મેં સુરતની અંદર એક મોટી લડત આપી હતી. વરાછાની અંદર થોડો ઘણો સફળ પણ રહ્યો છું. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે સુરત શહેરની અંદર હજુ પણ કેટલાક વિસ્તારમાં પ્રતિબંધિત સમયમાં ખાનગી બસો પ્રવેશ કરે છે. ભારે વાહનો પ્રતિબંધિત સમયમાં ન આવે અને લોકોને સમસ્યા ન થાય તેમ જ ગંભીર અકસ્માતનો સર્જે કોઈનું મૃત્યુ ન થાય આ માટે પોલીસ વિભાગેે કડક કાર્યવાહી કરવી જોઈએ.