સુરત : બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડમાં આજરોજ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર દ્વારા તાલુકા સંઘનાં હોદ્દેદારો તથા કારોબારી સભ્યોની આગામી 5 મી ઓક્ટોબરના રોજ દિલ્હી મુકામે યોજાનારા કાર્યક્રમને લઇ આ બેઠક યોજાઇ હતી.
આગામી દિવસોમાં વિરોધ કાર્યક્રમોનું આયોજન : અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં જૂની પેન્શન યોજનાનાં અમલીકરણ સંદર્ભે યોજાનાર ધરણાં કાર્યક્રમ તેમજ સોમનાથ ખાતેથી આરંભાયેલી શિક્ષાયાત્રાનાં 21 સપ્ટેમ્બરનાં રોજ કામરેજ ચાર રસ્તા ખાતે આગમન તથા તે દરમિયાનની સભામાં ભાગ લેવાનાં સુચારુ આયોજન ઉપરાંત 16 સપ્ટેમ્બરના તાલુકા કક્ષાએ સામૂહિક મીણબત્તી પ્રજ્વલન તથા થાળી રણકારનાં કાર્યક્રમ સંદર્ભે અગત્યની કારોબારી બેઠક બોલાવવામાં આવી હતી.
પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નોને વાચા આપવા અમારું સંગઠન હરહંમેશ પ્રયત્નશીલ છે અને રહેશે. તાલુકાના શિક્ષકોના અન્ય પડતર પ્રશ્નો બાબતે વિગતવાર છણાવટ કરવામાં આવી હતી...બળદેવભાઈ પટેલ (પ્રમુખ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ )
જૂની પેન્શન યોજનાના અમલીકરણની માગણી દોહરાવાઇ : બેઠકની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પ્રારંભે સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે સૌને આવકારી બેઠકનાં એજન્ડાનું વાંચન કર્યું હતું. બેઠકમાં ઉપસ્થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા જૂની પેન્શન યોજનાના અમલીકરણ સંદર્ભે સરકારનું ધ્યાન દોરવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઘડી કાઢવામાં આવેલ વિવિધ કાર્યક્રમોને સફળ બનાવવા બાબતે વિશેષ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.
વધુ એકવાર બાંયો ચડાવવાનું આયોજન : ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં પણ શિક્ષકો દ્વારા વિરોધ કાર્યક્રમો વ્યાપક બન્યાં હતાં ત્યારે સરકારે આશ્વાસનો આપી ઠંડુ પાણી રેડ્યું હતું. હવે લોકસભા ચૂંટણીઓ બારણે ઊભી છે ત્યારે શિક્ષકોના પ્રશ્નોને ટાળી ટાળીને ઠાલાં આશ્વાસનો આપતી સરકાર સામે વધુ એકવાર બાંયો ચડાવવાનું આયોજન થયું છે. જેના સંદર્ભમાં શુક્રવારે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બેઠક યોજવામાં આવી હતી.