સુરત: શહેરીજીવનમાં સવાર સવારમાં લોકો સવારની લટાર મારવા નીકળે ત્યારે શ્વાન કે બિલાડી કે એવા નાના પ્રાણીઓને સાથે લઇને જતાં હોય તેવા દ્રશ્યો જોવા મળતાં હોય. પણ સુરતના એક વિસ્તારમાં મોર્નિંગ વોક પર નીકળેલા ગૌપ્રેમી પરિવાર સાથે ગાયને જોઇને ભલભલા ગૌપ્રેમીઓ પણ આશ્ચર્યચકિત બની જાય છે. કારણ કે તેઓ મોર્નિંગ વોકમાં પોતાની સાથે ગાય અને તેના વાછરડાને લઈને નીકળતા હોય છે.
ગાય સાથે અનોખો ભાવ : ગાય અને વાછરડાને લઇ સાથે લઇને મોર્નિંગ વોકમાં નીકળતાં દીપકભાઇ ચોક્સી વ્યવસાયે સોની છે. ચોકસી પરિવાર ગાયને માતા તરીકે સન્માને છે. આ જ કારણ છે કે તેઓ દરરોજે તેમની ગાયની ખૂબ જ કાળજી લે છે અને મોર્નિંગ વોકમાં તેને સાથે લઈને રોડ પર નીકળતા હોય છે. તેઓ આર્થિક રીતે સમૃદ્ધ હોવાથી ગાયોનું સારી રીતે લાલનપાલનને લાડકોડ કરતાં પણ જોવા મળે છે.
ગાયનું નામ પણ રાખ્યું છે : દીપકભાઇ ચોક્સી સોનાની પરખ રાખે છે અને હીરાઝવેરાત હાથમાં લેતાં તેમને ખબર પડી જાય છે કે તે કેટલા શુદ્ધ છે. ત્યારે પોતાના વ્યવસાયમાં વ્યસ્ત રહેનાર દીપકભાઇ ચોક્સી રોજે સવારે અઠવા લાઇન્સ વિસ્તારના રોડ પર ચાલવા નીકળે ત્યારે તેમની પ્રિય ગાય જેનું નામ તેમણે જયા રાખ્યું છે તેનેે સાથે લઈને જવાનું ક્યારેય ચૂકતા નથી. જયા તેમની માટે પરિવારના સભ્ય જેવી છે. મોર્નિંગ વોક પર ગાયને લઈ જ્યારે પણ દીપકભાઈ ચોકસી નીકળે છે, ત્યારે લોકોની નજર તેમની ઉપર હોય છે. લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે કે કઈ રીતે મોર્નિંગ વોકમાં કોઈ ગાય લઈને નીકળી શકે છે?
ત્રણ લાડકી ગાયો સાથે રમે : મોંઘી ધાતુઓના પારખુ દીપકભાઇ ચોક્સી નિયમિતપણે પોતાની જયા એટલે ગાયને મોર્નિંગ વોક પર લઈ જાય છે એટલામાંજ તેમનો ગૌપ્રેમ નથી સમાતો, ગૌપ્રેમી પરિવાર એવા તેમના પરિવારના સભ્યો પણ સવારે ઊઠીને તેમની ત્રણ લાડકી ગાયો સાથે રમે છે અને તેમને વ્હાલ કરે છે. પરિવારના તમામ સભ્યો ગાયને મોર્નિંગ વોક પર લઈ જાય છે. ગાયને આ રીતે લઇને ફરવા નીકળવાના દ્રશ્યો સામાન્યપણે જોવા મળતા નથી તે સુરત શહેરમાં જોવા મળે છે અને દરરોજ જોનારા માટે આ દ્રશ્ય કુતૂહલભર્યું બની રહે છે.
ગાય સાથે દૈનિક કાર્યની શૃંખલા : હાલના દિવસોમાં ગૌમાતાને ફરીથી જે સ્થાન છે તે મળી રહ્યું છે. જ્યારે લોકો રોડ પર તેમને જૂએ છે ત્યારે લોકો ખુશ થાય છે કોઈ સ્પર્શ કરવા માટે પણ સામે આવે છે. મોર્નિંગ પર લોકો શ્વાન લઈને નીકળતા હોય છે અને આ પરિવાર ગાયોને લઈને નીકળે છે તે અલગ પ્રવૃત્તિ છે.
મારી પાસે ત્રણ ગાય છે. આ ત્રણેય ગાય અને મારા પરિવારના સભ્યો છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. સવારે તેમને વોક કરાવું અને ચારો ખવડાવવું એ મારું દૈનિક કાર્ય છે. આજ સમય મારો મોર્નિંગ વોકનો હોય છે, ત્યારે તેને ફરાવવાની સાથે હું મોર્નિંગ વોક પણ કરી લઉં છું. દીપકભાઈ ચોકસી (ગૌપ્રેમી)
નાનપણથી જ ગાય માટે લાગણી : દીપકભાઇ ચોક્સી વૈષ્ણવપંથી છે ત્યારે બાળપણથી તેમના ધર્મસંસ્કારમાં ગૌમાતા પ્રત્યે આદરપ્રેમનું સિંચન થયેલું છે. તેમના દાદાજીના સમયથી જ્યારે દર્શન માટે હવેલીમાં જતાં હતાં અને ત્યાં ગૌશાળા જોતાં હતાં. ત્યારથી જ ગાય પ્રત્યે દીપકભાઇ ચોકસીને પ્રેમની લાગણી ઉદ્ભવી હતી. તેઓનું માનવું છે કે ઈશ્વરની કૃપાથી ગાયની સેવા કરવાની તક મળી છે અમારે ત્યાં કહેવામાં આવે છે કે ગાયની સેવા એ ખૂબ જ શુભ માનવામાં આવે છે.