સુરત : સુરત જિલ્લાના માંડવીના ઉંટવા ગામે આવેલી વિજય સ્ટોન ક્વોરી વિસ્તારમાં શિકારી દીપડો ઘૂસી આવ્યો હતો. દીપડાએ ધીમા પગલે જઈ એક શ્વાનને દબોચી લીધો હતો. આ ઘટનામાં શ્વાનનો જીવ નહીં જાય ત્યાં સુધી દીપડો શ્વાનને ગળામાંથી દબોચી રાખતો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ બનાવને પગલે મજૂરો તથા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો.
સીસીટીવીમાં ઝીલાઇ ઘટના : દીપડા દ્વારા શિકારની આ ઘટના વિજય સ્ટોન ક્વોરીમાં બુધવારે મોડી રાત્રે 2 વાગ્યે બની હતી. સીસીટીવીમાં દેખાય છે તે પ્રમાણે આ સમયે શિકારની શોધમાં એક દીપડો અંદર આવી ગયો હતો. અને ધીમા પગલે આગળ વધી ઓચિંતા એક શ્વાન ઉપર તૂટી પડ્યો હતો. એ દરમિયાન નજીકમાં જ બેઠેલું અન્ય શ્વાન જીવ બચાવવા ભાગી છૂટે છે. શ્વાનને ગળામાંથી પકડી દીપડો થોંડાં ડગલાં આગળ વધે છે. જ્યાં આરામથી બેસી શ્વાનનો જીવ ન નીકળે ત્યાં સુધી ગળામાંથી પકડી રાખે છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થયેલી જોવા મળી હતી.
સરપંચે વન વિભાગને જાણ કરી : દીપડાએ શ્વાનને સકંજામાં જકડી રાખ્યાના થોડીવાર બાદ શિકારને મોંમાં લઈ દીપડો જંગલ વિસ્તારમાં પલાયન થઈ ગયો હતો. આ બનાવને પગલે ગામના સરપંચ ઉમાબેન હસમુખભાઈ ગામીતે વનવિભાગને જાણ કરી હતી અને RFO એચ.એમ.વાંદાએ તાત્કાલિક પાંજરું મુકવા સૂચન કર્યુ હતું.
આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. હાલ અલગ અલગ જગ્યાએ ત્રણ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે...એચ. એમ. વાંદા (આરએફઓ, માંડવી વનવિભાગ)
અગાઉ પણ દીપડાએ શ્વાન પર હુમલો કર્યો હતો : અન્ય બનાવની વાત કરીએ તો થોડા દિવસ પહેલા સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અંત્રોલી ગામના સરપંચ જયેશ સોલંકીના ઘરમાં દીપડાએ હુમલો કર્યો હતો. ગત મોડી રાત્રે 12:00 વાગ્યા આસપાસ ખૂંખાર દીપડો આવ્યો હતો. તેણે ઘરના વાડામાં સાંકળથી બાંધેલ પાળતુ શ્વાનનો શિકાર કરવાની કોશિશ કરી હતી. જોકે, સદનસીબે શ્વાનના ગળામાં બેલ્ટ હોવાથી દીપડો શિકાર કરી શક્યો ન હતો. શ્વાન જોર જોરથી ભસવા લાગતા જયેશભાઈનો પરિવાર જાગી ગયો હતો. જેના કારણે દીપડને મોઢામાં આવેલ શિકાર છોડી ભાગી જવું પડ્યું હતું. ત્યારે વધુ એકવાર દીપડાએ શ્વાનનો શિકાર કરવાનો બનાવ બન્યો છે. દીપડાનાં વધી ગયેલા આંટાફેરાને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.