સુરતઃ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પસાર થતી કાકરાપાર જમણાં કાંઠાની સાયણ ડિસ્ટ્રીબ્યુટરી લાઈનના 1 કિલોમીટર વિસ્તારમાં અસંખ્ય ગાબડાં પડી જતાં પાણી લીકેજ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ખેડૂતોને સિંચાઈ પાણીનો લાભ મળે અને પાણીના અભાવે ખેડૂતોનો પાક નિષ્ફળ ન જાય તે માટે સરકાર દ્વારા કેનાલ બનાવી છે. આ કેનાલો થકી લાખો ખેડૂતો બે પાંદડે થયા છે.
કરે કોઈ ભરે કોઈઃ પણ વહીવટી તંત્ર અને ભ્રસ્ટ એજન્સીઓના પાપે અવાર નવાર કેનાલોમાં ગાબડાં પડી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. અનેકવાર કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતાં હોય છે. કાંઠા વિસ્તારના ગામોના ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે તે માટે કરોડોના ખર્ચે રાજ્ય સરકારે કેનાલોનું નવીનીકરણ કર્યું હતું. હાલ કાકરાપાર જમણાં કાંઠાની સાયણ ડિસ્ટ્રીબ્યુટરીના એક કિલોમીટર વિસ્તારમાં અસંખ્ય ગાબડાં પડી ગયા છે.
પાણી લીક થાય છેઃ આ કેનાલમાંથી પાણી લીકેજ થવાની આરે છે. હાલ કેનાલમાં ફૂલ ફોર્સ સાથે પાણી છોડવામાં આવ્યું છે. ક્યારે કેનાલ ગાબડું લીકેજ થઈ જશે. એ નક્કી નથી. સિંચાઇ વિભાગ કોઈ ખેડૂતનું ખેતર તળાવમાં ફરે એ પહેલા કેનાલની મરામત કરે એ હાલ જરૂરી બન્યું છે. આ બાબતે નાયબ કાર્યપાલક ઇજનેર મેહુલ બોઘરાએ જણાવ્યું હતું કે, કેનાલમાં ગાબડાં પડ્યાં એ વાત અમારી ધ્યાને આવી છે. વર્ષો પહેલા કેનાલનું કામ થયું હતું. જેથી કેનાલમાં ડેમેજ થયું છે. નવીનીકરણ કેનાલ માટે સરકારને દરખાસ્ત પણ કરી દેવામાં આવી છે. કામગીરીને મંજૂરી મળી જશે એટલે તુરત કામ શરૂ કરવામાં આવશે.
કેનાલમાં ગાબડાંઃ માંડવીના નોગામા-વિદેશીયા ગામ નજીક મુખ્ય કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું હતું. આ મામલે સિંચાઈ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોચી કામગીરી હાથ ધરી હતી, સુરત જિલ્લામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો હતો. રાત્રિના સમયે માંડવીના નોગામા - વિદેશીયા ગામ નજીક મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું હતું. નોગામા નજીક કાંકરાપાર જમણા કાંઠાની કેનાલમાં ગાબડું પડતા સિંચાઈના પાણીનો વ્યય થયો હતો. બીજી તરફ કેનાલમાં ગાબડું પડતા પાણી ખેડૂતોના ખેતરોમાં ઘૂસ્યા હતા.
ઘરમાં પાણી ભરાયાઃ જેને લઈને ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી. આ સમગ્ર બનાવવાની જાણ સિંચાઈ વિભાગને કરવામાં આવતા સિંચાઈ વિભાગના અધિકારીઓ હાલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં ગાબડું પડ્યું છે. કામગીરી શરૂ કરી હતી. જોકે સદનસીબે કેનાલમાં ગાબડું પડતા કોઈ ઘરમાં પાણી ભરાયા નથી. તેમ જ કોઈ જાનહાનિના સમાચાર હાલ સામે આવ્યા ન હતા. જેને લઈને લોકોએ રાહતનો દમ લીધો છે. બીજી તરફ સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં પણ કરવામાં આવી હતી.