સુરત: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર પ્રકારના ડોગ બાઈટમાં આપવામાં આવતા હિમોગ્લોબીન ઇન્જેકશનની અછત જોવા મળી રહી છે. છેલ્લા 5 દિવસથી આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેને કારણે દર્દીને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. એક બાજુ ડોગ બાઈટ કેસમાં વધારો તો બીજી બાજુ ઇન્જેકશનની અછત જોવા મળી રહી છે.
મોંઘા છે ઇન્જેક્શન: છેલ્લા ઘણા સમયથી ડોગ બાઈટ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ હવે તો ડોગ બાઈટમાં દર્દીને આપવામાં આવતા ઇન્જેકશનની અછત જોવા મળી છે. દર્દીને ઇન્જેક્શન માટે સ્મીમેર હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. કારણ કે, બહાર પ્રાઇવેટ હોસ્પિટલોમાં આ ઇન્જેક્શન ખૂબ જ ખર્ચાળ હોય છે. મેડિકલ તથા ખાનગી ધોરણે આ ઈન્જેક્શન 3 થી 4 હજાર રૂપિયામાં મળે છે. સરકારી હોસ્પિટલોમાં તદ્દન ફ્રી માં ઇન્જેક્શન આપવામાં આવે છે. મહત્વની બાબત એ છે કે, આવા સમય દરમિયાન જો કોઈ ગંભીર પ્રકારના ડોગ બાઈટના કિસ્સા બને તો લોકોને હાલાકી પડી શકે છે.
કુલ આટલા નંગ: ડો.ગણેશ ગોવેકર નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ એ જણાવ્યું કે, આ પ્રકારનું ઈન્જેકશન મહિનામાં 200 થી 400 નંગ માંગવામાં આવે છે. આ ઈન્જેક્શન ગંભીર પ્રકારના ડોગ બાઈટમાં દર્દીઓને લગાવવામાં આવે છે. આ હોસ્પિટલમાં એક દિવસમાં 10 થી 15 કેસ આવે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં બે-ત્રણ મહિનામાં શહેરમાં બે બાળકોને રખડતાં કૂતરાના હુમલામાં જીવ ગુમાવ્યા છે.
"આપણી હોસ્પિટલમાં જે ડોગ બાઈટ માટે એઆરવી ઈન્જેકશન છે. તેનો તો પૂરતા પ્રમાણમાં જથ્થો છે.પરંતુ હિમોગ્લોબીન ઈન્જેકશનની ગઈકાલથી અછત જોવા મળી રહી છે.જેનો ઓર્ડર અમે પહેલાથી જ આપી દેવામાં આવ્યો હતો. જે ઇન્જેક્શન ટૂંક સમયમાં હોસ્પિટલમાં આવી જશે. હાલ શનિ અને રવિવાર હોવાને કારણે કુરિયર અટકી ગયું હશે. બાકી આવી જતું હોય છે. આજે આવી જશે"-- ડો. ગણેશ ગોવેકર (નવી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ)
હડકવા થઇ જતા મોત: એક અઠવાડિયા પેહલા જ 18 વર્ષીય કિશોરીને અને 45 વર્ષીય યુવકને હડકવા થઇ જતાં તેમનું મોત નીપજ્યું હતું. થોડા મહિના પહેલા જ ઉધના વિસ્તારમાં એક યુવક રાતે પોતાના અંગત કારણોસર બહાર જઈ રહ્યો હતો. ત્યારે તેમની ઉપર બે થી ત્રણ કુતરાઓએ હુમલો કરી પગના થાપાની બાજુ બચકું ભરી લીધું હતું. જોકે સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દૈનિક 40 થી 50 કેસ સામે આવી રહ્યા છે. જેને લઈને બંને હોસ્પિટલોમાં અલગ એક વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે.