સુરત : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા ગ્રામ પંચાયત રેલવેના ઓવરબ્રીજની નીચેથી પસાર થઈ રહેલ રોડને અડીને આવેલ મુસ્લિમ મહોલ્લામાંથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે. જેને લઇને કોસંબા ગ્રામ પંચાયતએ વ્યવસ્થિત કાર્યવાહી ન કરતાં અને મુસ્લિમ મહોલ્લાની હાલત બિસ્માર બની જતા મહોલ્લાના સ્થાનિકોએ અનોખો વિરોધ કરી સ્થાનિક તંત્રને જગાડવાના પ્રયાસો કર્યા હતાં મહોલ્લાના છેડે હેલ્પ સેન્ટર શરૂ કરી દીધું અને મહોલ્લામાં આવતાં પહેલા ગંદકી અને રસ્તાની સમજ આપી સ્થાનિક તંત્ર સુધી ફરિયાદ પહોંચાડવા તેમના અભિપ્રાય બુકમાં લખાવવામાં આવ્યા હતાં.
હેલ્પ સેન્ટર શરુ કર્યું :
સ્થાનિકો દ્વારા જે કામગીરી નથી કરવામાં આવી તેવા પંચાયત પર આક્ષેપો કર્યા છે એ વાત ખોટી છે. અમારા દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.જે ખાડો પડી ગયો છે તેનું ટૂંક સમયમાં કામગીરી કરવામાં આવશે. તેમજ સ્થાનિકો દ્વારા જે બિસ્માર રસ્તાની વાત કરવામાં આવી રહી છે એ રસ્તો R & B ની અંડરમાં આવે છે તેમ છતાં અમેઆ બાબતે R & B ને રજૂઆત કરી છે. યાસ્મીનબેન (સરપંચ કોસંબા ગ્રામ પંચાયત)
પ્રિમોન્સુનની કામગીરી નથી કરાઇ : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા પૂર્વ વિભાગ રેલવે ઓવરબ્રિજની નીચેથી રેલવેના ઓવરબ્રિજ નજીક મુસ્લિમ મહોલ્લો આવેલ છે.આ મુસ્લિમ મહલ્લો કોસંબા ગ્રામ પંચાયતની હદમાં આવેલ છે. ચોમાસા દરમિયાન મહોલ્લામાં વરસાદી પાણીના નિકાલ માટે પ્રિમોન્સુનની કામગીરી ન કરવામાં આવતા હાલ વરસેલા વરસાદને પગલે મહોલ્લા માં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. જેને લઈને મહોલ્લાના સ્થાનિકોએ રજૂઆત કરતાં પાણી નિકાલ કરવા જૂની ગટર ખોદી વ્યવસ્થા કરાઇ હતી. ત્યાર બાદ કાયમી પાણી નિકાલ કરવા ખોદેલો ખાડો જે તે પરિસ્થિતિમાં છોડી દેવામાં આવતા મહોલ્લાના સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.
કીચડનું સામ્રાજ્ય : આ મહોલ્લામાં કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે. જેને લઈને કોસંબા ગ્રામ પંચાયતને અનેક રજૂઆત બાદ પણ સ્થિતિમાં ધ્યાન દોર્યું ન હતું. કોસંબા પંચાયત ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ પણ તેમની મુશ્કેલીમાં વધારો કરવાનું નિમિત્ત બની રહ્યાં છે.
સોસાયટી રેલવે ઓવરબ્રીજની હોય મહોલ્લામાં આવવા રેલવે ઓવર બ્રીજની સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડે છે. સર્વિસ રોડની હાલત પણ બિસ્માર થઈ છે. આ અંગે અવાર નવાર તંત્રનું ધ્યાન દોરવા છતાં પણ ગ્રામ પંચાયત દ્વારા અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામા આવતાં આખરે ત્રાસી ગયેલા મહોલ્લાના રહીશોએ મહોલ્લાના એન્ટ્રી ગેટ પર હેલ્પ સેન્ટર શરૂ કર્યું હતું....ઈરફાન કાપડિયા (સ્થાનિક આગેવાન)
લોકોના અભિપ્રાય લેવામાં આવ્યાં : મહોલ્લામાં આવતા લોકો સહીસલામત રીતે પ્રવેશ કરી પરત જઈ શકે તે માટે તેમણે સેવા કેન્દ્ર શરૂ કર્યું છે. જ્યાં મહોલ્લાના રસ્તાની માહિતી આપી ચેતવવામાં આવે છે. ઉપરાંત મહોલ્લાના રસ્તાનો ઉપયોગ કર્યા બાદ મુલાકાતિઓ પાસે એક નોટમાં તેમનો અભિપ્રાય તંત્ર સુધી પહોંચાડવા માટે લખવામાં આવ્યો હતો.