સુરત : 12 વર્ષની પ્રિશા દીક્ષાનું મુહૂર્ત લેવા માટે ઓડી કારમાં પહોંચી હતી. લક્ઝરીયસ લાઈફનો ત્યાગ કરી તે હવે સંયમનો માર્ગ અપનાવશે. ધોરણ 4 સુધી ભણનાર 12 વર્ષની પ્રિશા સુરતના અડાજણ વિસ્તારના ઉદ્યોગપતિની દીકરી છે. કરોડપતિ પિતા દીકરી હવે મોહમાયાનો ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવશે.
દીક્ષા નગરી બની રહી છે સુરત : સુરત શહેરને હવે લોકો દીક્ષા નગરી તરીકે ઓળખી રહ્યા છે.સુરતમાં જૈન દીક્ષા લેનારામાં નાની ઉંમરથી લઈ વરિષ્ઠ નાગરિકો અને ઉદ્યોગપતિઓ સાંસારિક મોહમાયા ત્યજી દીક્ષા ગ્રહણ કરે છે અને અનેક આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. સુરત શહેરમાં ફરી એક વખત આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. વખતે માત્ર 12 વર્ષની દીકરી દીક્ષા લેવા જઈ રહી છે. અડાજણ વિસ્તાર ખાતે રહેતા ઉદ્યોગપતિની દીકરી પ્રિશા શાહ પરિવારમાં આપવામાં આવનાર તમામ સુખસાધનો ત્યાગી દીક્ષા લેવા જઈ રહી છે.
17 જાન્યુઆરીનું મુહૂર્ત : પ્રિશા ધોરણ 12 સુધી ભણી છે. પરંતુ દીક્ષા લેવા માટે કટિબદ્ધ થઈ છે. દીક્ષા લેવા પહેલા તે પોતાને માનસિક રીતે સંયમના માર્ગે ચાલવા માટે તૈયાર કર્યું છે. હાલ જૈન સમાજમાં ચાતુર્માસની ઉજવણી થઈ રહી છે અને ત્યારબાદ દીક્ષા લેવા માટે સેકડોની સંખ્યામાં લોકો આતુર થશે. દીક્ષા મુહૂર્ત માટે પ્રિશા ઓડી કારમાં સવાર થઈ સુરતના ઉમરા જૈન સંઘમાં પહોંચી હતી. જૈનાચાર્ય રશ્મિરતન સુરીજીએ 17 જાન્યુઆરીનું મુહૂર્ત પ્રિશાને પ્રદાન કર્યું હતું.
સાંસારિક સુખ ક્ષણિક : જે ઉંમરમાં બાળકો મોબાઇલ કમ્પ્યુટર અને લેપટોપ જેવા ગેજેટમાં રસ ધરાવે છે. તે ઉંમરમાં પ્રિશા સંયમના માર્ગે પ્રયાણ કરશે આ અંગે તેને જણાવ્યું હતું કે, આ માનવ જીવન સાર્થક કરવા માટે દીક્ષા લેવા જઈ રહી છું. સાધ્વીજી બની મોક્ષમાં મેળવવા માટે આ નિર્ણય લીધું છે. જે સુખ સંયમના માર્ગે છે તે સુખ ક્યારે પણ સાંસારિક સુખમાં મળી શકે નહીં. કારણ કે સંસારનું સુખ માત્ર ક્ષણિક હોય છે.