સુરત : રાજસ્થાન, મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ભાજપને ગોડસેની વિચારધારાવાળી પાર્ટી ગણાવી રહી છે અને આ વાત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશ ખાતે એક સભામાં કહી હતી. તેના જવાબમાં ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન સંઘવીએ રાહુલ ગાંધી માટે કહ્યું હતું કે, રઘુપતિ રાઘવ રાજા રામ સબકો સંમતિ દે ભગવાન...
કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ જારી : લોકસભા ચૂંટણી પહેલા હાલ રાજસ્થાન મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ જારી છે ત્યારે મધ્યપ્રદેશ ખાતે એક સભામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ લડત વિચારધારાની છે અને એક તરફ કોંગ્રેસ પાર્ટી છે તો બીજી બાજુ આરએસએસ અને ભાજપ છે એક તરફ મહાત્મા ગાંધી છે તો બીજી બાજુ ગોડસે છે.
લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ સક્રિય : ભાજપને ગોડસેની પાર્ટી રાહુલ ગાંધીએ ગણાવી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જયંતિ છે અને તેના એક દિવસ પહેલા જે રીતે ગાંધીજીની હત્યા કરનાર ગોડસેની વિચારધારાથી ભાજપની તુલના કરી હતી તેના જવાબમાં સુરતના ખાતે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ રાહુલ ગાંધીને ગાંધીજીના જ પ્રસિદ્ધ શબ્દોથી જવાબ આપ્યા હતાં. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ ખાસ્સી એવી સક્રિય જણાઇ રહી છે અને ધીમેધીમે આક્રમક તેવરમાં આવી રહી છે. રાહુલ ગાંધી પહેલાં પણ ઘણા અવસર પર ભાજપ પર ગોડસેની વિચારધારાને લઇને કટાક્ષ કરી ચૂક્યાં છે. એવામાં આ વધુ એકવાર તેમણે ભાજપ પર હલ્લો બોલાવ્યો છે.
ગાંધીજીની પ્રતિમાને હર્ષ સંઘવી દ્વારા સુતરાંજલિ : સુરત શહેરના ચોક વિસ્તાર ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને હર્ષ સંઘવી સુતરાંજલિ કરવા પહોંચ્યા હતાં સુરતના મેયર કમિશનર સહિતના પદાધિકારીઓ હાજર હતાં. રાહુલ ગાંધીએ ભાજપની તુલના ગોડસે સાથે કરી તો તેના સવાલના જવાબમાં હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું, રઘુપતિ રાઘવ રાજારામ સબકો સંમતિ દે ભગવાન..