સુરત : સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી શારદાયતન શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગ્યો હતો. જેથી બંને બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બે પૈકી એક વિદ્યાર્થી ગંભીર રીતે દાઝી ગયો હતો. આ મામલે પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ શાળામાંથી વિદ્યાર્થીને છત પરથી પતંગની દોરી હટાવી લેવા જણાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ વિદ્યાર્થીએ કર્યો હતો.
બે સગાભાઈઓને કરંટ લાગ્યો : સુરતની શાળામાં અભ્યાસ કરતા બે સગા ભાઈઓને કરંટ લાગ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે બંને ભાઈઓને કરંટ લાગતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક વિદ્યાર્થી ગંભીર રીતે દાઝી ગયો હતો, મળતી માહિતી મુજબ સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી માનસી રેસીડેન્સીમાં પરમેશ્વર યાદવ પરિવાર સાથે રહે છે. તેઓના બે પુત્ર 15 વર્ષીય શિવા અને 14 વર્ષીય શિવમ ડીંડોલી વિસ્તારમાં આવેલી શારદાયતન શાળામાં અભ્યાસ કરે છે. ગતરોજ આ બંને સગા ભાઈઓને શાળામાં વીજ કરંટ લાગ્યો હતો, ભાઈને બચાવવા જતા બીજા ભાઈને પણ ઈજા થઇ હતી જેથી બંને ભાઈઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં શિવા ગંભીર રીતે દાઝી ગયો હતો.
શિક્ષકે જા હટા વરના મારુંગા કહ્યું હતું : બનાવ અંગે શિવમ યાદવે જણાવ્યું હતું કે અમે શાળાએ ગયા હતાં ત્યારે સરે મારા ભાઈને તાર હટાવવાનું કહ્યું હતું ત્યારે મારા ભાઈએ ના કહી દીધી હતી તો સરે જા હટા વરના મારુંગા તેમ કહ્યું હતું, અગાસી પર ચાઈના દોરી હતી જેને હટાવવા જતા કરંટ લાગ્યો હતો. હું ભાઈ સાથે જ અગાસી પર હતો, ભાઈને બચાવવા જતા મને પણ ઈજા થઇ હતી, સવારે 7:30 વાગ્યે આ ઘટના બની હતી.
પોલીસે જાણવાજોગ દાખલ કરી : બનાવ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ગતરોજ શારદાયતન શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને સ્કુલની છત પર પતંગ દૂર કરવા માટે ગયા હતા ત્યારે એક વિદ્યાર્થીને વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેને ખૂબ ઈજા થઇ હતી. તેને બચાવવા માટે તેનો નાનો ભાઈ પણ ત્યાં હતો એણે પણ પ્રયાસ કરતા તેને પણ ઈજા થઇ છે. બંને બાળકોની સારવાર કરાવવામાં આવી છે. મોટા છોકરાને વધારે દાઝી જવાથી પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ તેની કંડીશન સ્ટેબલ હોવાનું ડોકટરોએ જણાવ્યું છે. બાળકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે શાળામાંથી બાળકોને પતંગની દોરી હટાવી લેવા જણાવ્યું હતું જયારે શિક્ષકો સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે આ લોકો પોતાની ઈચ્છાથી પતંગ લેવા ગયા હતા. આ દરમિયાન જાણવાજોગ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.