સુરત : સુરતમાં માતાપિતા માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં દોઢ વર્ષની બાળકી ચોથા માળે આવેલા પોતાના ઘરમાંથી નીચે પટકાતાં તેનું મોત થવાની ઘટના બની છે. ઘરની બારીમાંથી નીચે પડી બાળકીનું મોત થયાંની આ ઘટના પાંડેસરામાં બની હતી. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા આનંદ એપારમેન્ટના ચોથા માળેથી દોઢ વર્ષની બાળકી નીચે પટકાતા મોતને લઇ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બાળકીને તાત્કાલિક પરિવાર દ્વારા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી બાળકીને મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હાલ આ મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ચોથા માળેથી નીચે પડી : બાળકી બારી પાસે બેડ ઉપર રમી રહી હતી તે દરમિયાન જ તે કોઈક રીતે નીચે પડી ગઈ હતી.આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ મનસુખભાઈ જાડેજાએ જણાવ્યું કે આ ઘટના આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ બની હતી. પાંડેસરા વિસ્તારમાં આવેલ આનંદ એપારમેન્ટનાં ચોથા માળે રહેતા સોમભાઈ દિવા જેઓની દોઢ વર્ષની દીકરી ત્રિશા આજરોજ સવારે બારી પાસે બેડ ઉપર રમી રહી હતી તે દરમિયાન જ તેઓ કોઈક રીતે નીચે પડી ગઇ હતી.
બાળકીને પટકાયેલી જોતાંની સાથે આસપાસના લોકો દોડી આવ્યા હતાં તો બાળકીની માતાએ નીચે જોતા જ તેઓ પણ બુમાબુમ કરવા લાગ્યા હતાં. જોકે ત્રિશાને તાત્કાલિક ઓટોરિક્ષામાં સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. બાળકીને મૃત હાલતમાં જ હોસ્પિટલ પહોંચી હોવાનું ફરજ પરના જોડક્ટર દ્વારા બાળકીના માતાપિતાને જણાવવામાં આવ્યું હતું. બાળકીના પિતા સોમભાઈ દિવા જેઓ કાર્પેન્ટર છે અને તેમની માતા ગૃહિણી છે. પરિવારની એકની એક દીકરી હોવાને કારણે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે...મનસુખભાઈ જાડેજા(પાંજેસર પોલીસ સ્ટેશન)
કઇ રીતે પડી બાળકી : તેમણે વધુમાં જણાવ્યું કે, ત્રિશાના ઘરમાં બેડ એવી રીતે મુકવામાં આવ્યો છે કે, બેડ સીધુી ઘરની દીવાલ બારી સાથે જોઈન્ટ કરી દેવામાં આવ્યું છે અને તેમાં બારી પણ ખુલી રાખવામાં આવી હતી. જેમાં આજે ત્રિશા રમી રહી હતી અને રમતા રમતા તેે નીચે પટકાઇ હશે. જોકે આ ઘટના સમય દરમિયાન ત્રિશાની માતા ઘરમાં જ હતી. હાલ તેઓનું નિવેદન લેવાનું બાકી છે.