સુરત : સુરત શહેરના પૂણા વિસ્તારમાં સુરત એપીએમસી માર્કેટમાં ગઈકાલે ખરાબ થઈ ગયેલા ટામેટાં ફેંકવામાં આવેલા હતાં. તે ટામેટાંને વીણતા એક મહિલા દેખાઈ હતી જેને લઈને એપીએમસીના ચેરમેન સંદીપ દેસાઈએ નિવેદન આપ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે આવા સડેલા ટામેટાં સુરત મહાનગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં આવે છે, આવી કોઇ મહિલાઓ તેમના ધ્યાનમાં આવી નથી પરંતુ મામલા સામે આવતાં આજુબાજુ સિક્યૂરિટીની વ્યવસ્થા કરવામાં આવશે.
આ જો તમે અમને માહિતી આપી છે તો ચોક્કસપણે આ બાબતે ધ્યાન આપવામાં આવશે. આ બાબતે તપાસ પણ કરવામાં આવશે. પરંતુ માર્કેટનો આખો દિવસનો કચરો મોડી રાત્રે સુરત મહાનગરપાલિકા દ્વારા લઈ જવામાં આવે છે. પરંતુ હવે આ પ્રકારની સ્થિતિ ન સર્જાય તેની માટે આજુબાજુ સિક્યુરિટીની પણ વ્યવસ્થાઓ કરવામાં આવશે.મહિલા ટામેટાં વીણે તેનું પુનરાવર્તન ન થાય તેની કાળજી લેવાશે.
...સંદીપ દેસાઈ(ચેરમેન, સુરત એપીએમસી)
મામલો શું હતો : સુરત શહેરના પૂણા વિસ્તારમાં સુરત એપીએમસી માર્કેટમાં ગઈકાલે ખરાબ થઈ ગયેલા ટામેટાં ફેંકવામાં આવેલા હતાં. તે ટામેટાંને વીણતા એક મહિલા દેખાઈ હતી. જોકે ટામેટા ખરીદવા માટે આવનાર વેપારીએ કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે અહીંના વેપારીઓ દ્વારા ખરાબ થયેલા ટામેટાં અહીં ફેંકી દેવામાં આવે છે અને તેને કેટલાક લોકો દ્વારા વીણીને તેઓ પોતાના ઘરે કાં તો પછી બહાર બજારમાં ઓછી કિંમતે વેચવા માટે લઈ જાય છે.
બાયોગેસ પ્લાન્ટમાં શાકભાજીનો કચરો નાંખવામાં આવે છે : આ બાબતને લઈને સુરત એપીએમસી માર્કેટ ચેરમેન સંદીપ દેસાઈએ વધુમાં કહ્યું હતું કે ટામેટાં વીણતી મહિલા હોય તેવી વાત મારા ધ્યાનમાં આવી નથી. માર્કેટમાં એવું છે કે, જે જગ્યા ઉપર ટામેટાનું વેચાણ થાય છે. ત્યાં જે પણ ટામેટા સડેલા હોય તેને સાઈડમાં કચરાના ઢગલામાં નાખી દેતા હોય છે. અને તે શાકભાજીનો કાંતો પછી ટામેટા હોય તેને સુરત મહાનગરપાલિકા દ્વારા મોડી રાતે લઈ જતા હોય છે. તથા અન્ય કચરાઓ અમારી પાસે જે બાયોગેસ પ્લાન્ટ છે. તેમાં પણ નાખવામાં આવે છે. પરંતુ ટામેટાં વીણતી મહિલા તેવી વાત મારા ધ્યાનમાં આવી નથી. બીજી વાત એ છે કે, હાલ જે ટામેટાના ભાવ વધ્યા છે અને કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી સુરતમાં ટામેટાઓ આવી રહ્યા છે. ત્યાં ખેડૂતો ટામેટાંની ખેતી કરે છે. પરંતુ વધારે વરસાદ પડવાને કારણે ટામેટાંના પાકને નુકસાન થયું છે.