સુરત : સુરત શહેરની સુંદરતામાં વધારો કરવાના હેતુસર મનપા દ્વારા બ્રીજ, ડીવાઇડર અને ટ્રાફીક સર્કલોને અનેક કલરોથી સુશોભિત કરવામાં આવી રહ્યા છે. પરંતુ કેટલા લોકો બ્રીજની દિવાલ ટ્રાફીક સર્કલ પર પાન, માવાની પિચકારી મારતા હોય રંગરોગાન પાછળ કરવામાં આવતા ખર્ચનો વ્યર્થ થઇ રહ્યો છે. જેને પગલે જાહેરમાં ગંદકી ફેલાવનારા લોકોને પાઠ ભણાવવા માટે મનપા દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.
5000 રૂપિયા દંડ વસૂલ કરાશે : સુરત મનપાએ નિયત કરેલા 100 રૂપિયા દંડની ભરપાઇ 7 દિવસ દરમિયાન કરવામાં નહી આવે તો મનપા દ્વારા તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. બેથી વધુ વાર પકડાય તો તેની પાસેથી 5000 રૂપિયા દંડ વસૂલ કરાશે. લોકોમાં અવરનેસ લાવવાના હેતુસર મનપા દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.
આરટીઓની મદદથી ઇ મેમો ફટકારવામાં આવ્યો : આરોગ્ય વિભાગના અઘિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં લગાડવામાં આવેલા 3250 જેટલા સીસીટીવી કેમરાની મદદથી જાહેરમાં ગંદકી ફેલાવનારાઓને સામે કાર્યવાહી કરવાની તજવીજ મનપા દ્વારા હાથ ધરવામાં આવી હતી.
મનપા દ્વારા 10 દિવસનો પાયલોટ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો. દરમિયાન 88 જેટલા લોકો જાહેરમાં પિચકારી મારતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આરટીઓની મદદથી તમામ કસુરવારોને ઇ મેમો ફટકારવામાં આવ્યો છે. બેથી વધુ વાર પકડાય તો તેની પાસેથી 5000 રૂપિયા દંડ વસૂલ કરાશે... પ્રદીપ ઉમરીગર (મનપા આરોગ્ય અધિકારી)
બેથી વધુ વખત પકડાશે તો તેમની પાસેથી 500 રૂપિયા પેનલ્ટી : વધુમાં તેમણે કહ્યું હતું કે, પ્રથમ વખત ગંદકી ફેલાતા પકડાય તો 100 રૂપિયા દંડ વસુલ કરવામાં આવશે અને ત્યારબાદ બીજી વખત પકડાય તો 250 રૂપિયા દંડ વસુલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. બેથી વધુ વખત પકડાશે તો તેમની પાસેથી 500 રૂપિયા પેનલ્ટી લેવામાં આવશે. ઇ મેમો મળ્યા બાદ દિન 7માં મનપાના સિવીક સેન્ટર તેમજ વેબ સાઇટ પર ઓન લાઇન દંડ ભરવાનો રહેશે અન્યથા તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઝોન પ્રમાણે ઇ મેમોની સંખ્યા : ફટકારવામાં આલેવા ઇ મેમોની વિગત જોઇએ તો સુરત શહેરના લિબાયતમાં 22, સેન્ટ્રલ ઝોનમાં 19, રાંદેરમાં 15, વરાછામાં 15 અને કતારગામમાં 11 ઇ મેમો ફટકારવામાં આવ્યાં છે.