સુરત : દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા બાળકોમાં કુપોષણ દૂર કરવા પાછળ ખર્ચવામાં આવતાં હોય છે. પરંતુ હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ જે જન્મ લેનાર બાળકોના આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. છેલ્લા બે વર્ષમાં 18,659 બાળકો જન્મ્યા છે જેમાંથી 2926 બાળકો કુપોષિત હતાં. એટલું જ નહીં 26 માતાઓ તો પ્રસુતિ દરમિયાન જ મૃત્યુ પામી હતી. આ તમામ આંકડાઓ ચોકાવનારા છે.
કુપોષિત બાળકો અંગે પ્રશ્ન પૂછાયો : સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને હોસ્પિટલ સમિતિના સભ્ય રચના હીરપરાએ પ્રશ્નમાં પૂછ્યું હતું કે હોસ્પિટલમાં કેટલા બાળકોએ જન્મ લીધા છે કેટલા કુપોષિત છે અને તેમની જન્મ દરમિયાન શું સ્થિતિ હતી ? આ પ્રશ્નોના જે જવાબ મળ્યા છે તેનાથી ચોકાવનારો ખુલાસો થયો છે.
18,659 બાળકમાંથી 2926 કુપોષિત બે વર્ષમાં હોસ્પિટલ તેમજ તેના અલગ અલગ વિસ્તારોમાં કાર્યરત મેટરનિટી હોમમાં કુલ 18,659 બાળકોએ જન્મ લીધા છે. જેમાંથી 2926 જેટલા બાળકો કુપોષિત હોવાનું સરકારી કાગળ ઉપર નોંધાયું છે. એટલું જ નહીં 263 જેટલા નવજાત બાળકો જન્મ લે તેના એક સપ્તાહમાં જ મૃત્યુ પામ્યા છે સાથે 130 બાળકોનો મૃત અવસ્થામાં જન્મ થયો છે. 26 જેટલી માતાઓ પ્રસૂતિ સમયે જ મૃત્યુ પામી છે.
પ્રશ્ન પૂછ્યા હતાં તેના જવાબમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા બે વર્ષની અંદર 16 ટકા જેટલા સ્મિમેર હોસ્પિટલની અંદર કુપોષિત બાળકો જન્મ લીધા છે. બે ટકા બાળકોના જન્મ દરમિયાન મૃત્યુ પામ્યા છે. એક મહિલા તરીકે આ વાત કરતા પણ મને દુઃખ લાગે છે. ભાજપા જ્યારે મહિલા સશક્તિકરણની વાતો કરતી હોય અને કુપોષણના પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરતી હોય ત્યારે આવી પરિસ્થિતિ ખૂબ જ વિચલિત કરનાર છે. મહિલાઓની વાતો કરનાર ભાજપા મહિલાઓના નામે ચરી ખાતા હોય છે પરંતુ મહિલાઓને પૌષ્ટિક આહાર મળતો નથી...રચના હીરપરા (આમ આદમી પાર્ટીના કોર્પોરેટર)
ગરીબ અને મજૂર વર્ગના લોકો આવે છે : જૉકે આ ગંભીર બાબત અંગે હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષા આહીરે જણાવ્યું હતું કે હાલ તમામ પ્રકારની સુવિધા સરકારી હોસ્પિટલ અને મેટરનિિટી હોમમાં આપવામાં આવે છે પરંતુ જેણે કુપોષિત બાળકો જણાવવામાં આવી રહ્યા છે તેમને હું સમય કરતા પહેલા જન્મનાર બાળક કહીશ. અમે અને અમારી હોસ્પિટલની ટીમ સતત પ્રયત્નશીલ રહીએ છીએ કે મહિલાઓને આ અંગે સમજાવીએ અને ખાસ કરીને સરકારી હોસ્પિટલમાં ગરીબ અને મજૂર વર્ગના લોકો જ સારવાર માટે આવતા હોય છે.