સુરતઃ વરાછા વિસ્તારમાં ઘર પાસે 1 વર્ષીય બાળકી રમતી હતી. કુતરાએ અચાનક તેના પર હુમલો કરી દીધો હતો. કુતરાએ બાળકીના ચહેરા, આંખ અને હાથ પર બચકા ભરી લીધા હતા. આ બાળકીને એટલી ગંભીર ઈજાઓ પહોંચી છે કે તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. તેની આંખનું સ્પેશિયલ ઓપરેશન કરાવવું પડ્યું હતું.
સમગ્ર ઘટનાક્રમઃ વરાછા વિસ્તારમાં બગદારામ પ્રજાપતિ હીરાના વ્યવસાયમાં નોકરી કરે છે. તેમની દીકરી ઘર પાસે રમતી હતી. ત્યારે શેરીમાં રખડતા કુતરા આવી પહોંચ્યા હતા. તેમાંથી એક કુતરાએ બાળકી પર હુમલો કરી દીધો. બાળકીના શરીરે કુતરાએ બચકા ભરી લીધા હતા. બાળકી આ હુમલાથી લોહીલુહાણ થઈ ગઈ હતી. બાળકી જોર જોરથી રડવા લાગી. બાળકીના રડવાના અવાજથી પરિવાર દોડી આવ્યો હતો. ઘાયલ બાળકીને સારવાર અર્થે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દેવાઈ હતી. કુતરાએ બાળકીને આંખે ગંભીર ઈજા પહોંચાડી હોવાથી તબીબોએ આ બાળકીની આંખનું ઓપરેશન કરવુ પડ્યું હતું. અત્યારે બાળકી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. તેમજ આ બાળકીને અન્ડર ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી છે. પરિવારજનો બાળકીની આંખ બચી જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
અમારી પાસે બાળકીને કુતરાએ બચકા ભરીને ઘાયલ કરી હોય તેવો કેસ આવ્યો છે. અમે બાળકીની આંખનું ઓપરેશન હાથ ધર્યુ હતું. અત્યારે બાળકીની આંખ બચી જાય તેવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે...ગણેશ ગોવરેકર(સુપ્રિન્ટેન્ડન્ટ, નવી સિવિલ હોસ્પિટલ, સુરત)
ડોગ બાઈટના કારણે નાની બાળકીની આંખને ઈજા થઈ છે. સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનામાં મહા નગર પાલિકા બનતી મદદ કરવા તૈયાર છે. ભારત સરકારના પ્રાણી કલ્યાણ બોર્ડની ગાઈડ લાઈન પ્રમાણે મહા નગર પાલિકા કામ કરી રહી છે. કુતરા પકડવા માટે રોજની છ ટીમો કાર્યરત છે. આ વર્ષે અમે 8797થી પણ વધુ કુતરાઓનું ખસીકરણ કર્યું છે. SMC કુતરાઓના ખસીકરણ અને રસીકરણ માટે ભેસ્તાણ ખાતે એક સ્પેશિયલ હોસ્પિટલ પણ બનાવી રહી છે...દક્ષેશ માવાણી(મેયર, સુરત)