સુરતઃ શહેરના નારી સંરક્ષણ ગૃહ એક અનોખા પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આ કચેરી પર રોજ 50થી વધુ લગ્નવાંચ્છુઓની ઈન્ક્વયારીઝ થઈ રહી છે. આ રોજનો ઘટનાક્રમ છે. નારી સંરક્ષણ ગૃહમાં 20,000થી વધુ લગ્નવાંચ્છુ અરજીઓનો ભરાવો થઈ ગયો છે.
મેઈન ગેટ પર ચોંટાડવું પડ્યું પોસ્ટરઃ નારી સંરક્ષણ ગૃહની આ સમસ્યા દિવસે ન વધે તેટલી રાત્રે વધે ઉક્તિની જેમ એટલી વધી ગઈ કે સમગ્ર કચેરી કંટાળી ગઈ. આ કચેરીના કર્મચારીઓએ કંટાળીને કચેરીના મેઈન ગેટ પર મનાઈ ફરમાવતું પોસ્ટર લગાડવું પડ્યું. પોસ્ટરમાં સ્પષ્ટ સંદેશ છે કે "લગ્ન માટે કોઇ બહેન નહીં હોવાથી પુછપરછ કરવી નહી."
અમારી કચેરીએ જે લોકો લગ્ન માટે અરજી અને બાયોડેટા મોકલે છે તેમાં ઉચ્ચ શિક્ષણ ધરાવતા લોકો સાથે મોટા બિઝનેસમેન પણ સામેલ છે. જેમકે ગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ, પ્રોફેશનલ્સ, દુકાનદાર અને બિઝનેસમેનના પણ બાયોડેટા હાલ પેન્ડિંગ છે. છેલ્લા ચાર વર્ષમાં 20 હજારથી વધુ એવી અરજીઓ આવી છે. અમારે ત્યાં અનાથ બાળકી હોય તે લગ્નની ઉમરે પહોંચે તો સરકારે નક્કી કરેલા માપદંડો મુજબ નારી સંરક્ષણ ગૃહ દ્વારા લગ્ન કરાવવામાં આવે છે. વર્ષ 2019માં સુરત નારી સંરક્ષણ ગૃહ દ્વારા 2 બહેનોના લગ્ન કરવામાં આવ્યા હતા... પારુલબેન (સુપ્રિન્ટેન્ડન્ટ, નારી સંરક્ષણ ગૃહ, સુરત)
નારી સંરક્ષણ ગૃહ હવે એક વિકલ્પ બન્યો છેઃ નારી સંરક્ષણ ગૃહમાં સામાજિક ઉપક્ષિત અને અગમ્ય કારણોસર ઘરથી વિખૂટી પડેલી બહેનોને આશ્રય આપવામાં આવે છે. આ ઉપરાંત જન્મથી તરછોડાયેલી બાળકીઓ, અનાથ કન્યાઓને પણ ઉંમરલાયક થાય ત્યાં સુધી કાળજી પૂરી પાડવામાં આવે છે. નારી સંરક્ષણ ગૃહ દ્વારા લગ્નની ઉંમરે પહોંચેલી બહેનોને સરકારના ધારાધોરણ મુજબ પરણાવામાં પણ આવે છે. હવે સમાજમાં કન્યાઓની અછતને પરિણામે ઉંમરલાયક ઉમેદવારો નારી સંરક્ષણ ગૃહને એક વિકલ્પ તરીકે જૂએ છે. તેથી જ સુરત જ નહી પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં અરજીઓ અને બાયોડેટા આવે છે. ગુજરાતના અન્ય શહેરોની સાથોસાથ મહારાષ્ટ્ર, મધ્યપ્રદે અને રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં અરજીઓ અને બાયોડેટા આવે છે.