સુરતઃ શહેરના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે હાલ ગાંધી શિલ્પ બજારનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિલ્પ બજારમાં અનેક કલાકૃતિઓ વેચાણ માટે પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી છે. જો કે આ બજારની મુલાકાત લેતા દરેક મુલાકાતીઓને મૈસુર રોઝવૂડ ઈનલે પેન્ટિંગ આર્ટના પેન્ટિંગ પોતાની તરફ આકર્ષી રહ્યા છે. આ આર્ટમાં તૈયાર થતા પેન્ટિંગમાં કુલ 3000 રંગીન લાકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ રંગીન લાકડા કેરળમાં થતા ઝાડ પરથી લેવામાં આવે છે.
એન એન્સિયન્ટ આર્ટઃ મૈસુર રોઝવૂડ ઈનલે પેન્ટિંગ એક પ્રાચીન કળા છે. જેના પેન્ટિંગ્સ ખાસ હુન્નર ધરાવતા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ કળામાં રંગીન લાકડાની સપાટીને સોના, ચાંદી, હાડકાં, પ્લાસ્ટિકથી એમ્બેડ કરીને શણગારવામાં આવે છે. કેટલાક વર્ષો અગાઉ હાથીદાંતનો ઉપયોગ થતો પરંતુ હાથીઓના સંરક્ષણને પરિણામે હાઈડ્રોજન પેરોક્સાઈડનો ઉપયોગ કરામાં આવે છે. રોઝવૂડ ઈનલે પેન્ટિંગ આર્ટ 17મી સદીની છે. તે સમયે મૈસુરના તત્કાલીન રાજવીઓએ આ કળાને સમર્થન આપીને પ્રોત્સાહિત કરી હતી. ટીપુ સુલતાનના સમયે રોઝવૂડ ઈનલે ફર્નિચર બહુ પ્રસિદ્ધ થયું હતું. અત્યારે આ કળામાંથી તૈયાર થયેલા પેન્ટિંગ સુરતવાસીઓનું મન મોહી રહ્યા છે.
આર્ટ અને પેન્ટિંગ વિશેઃ મૈસુર રોઝવૂડ ઈનલે પેન્ટિંગ આર્ટનું એક પેન્ટિંગ તૈયાર થતા 6 મહિના જેટલો સમય લાગે છે. એક પેન્ટિંગ પાછળ 10થી 12 લોકો મહેનત કરે છે. એક કારીગર લાકડાનું પોલિશિંગ તો બીજો કારીગર લાકડાને ડિઝાઈન કરવાનું જ્યારે અન્ય કારીગરો લાકડાને એક ઉપર એક ગોઠવીને આકાર આપવાનું કામ કરે છે. ત્યારે આ એક પેન્ટિંગ તૈયાર થાય છે. જો કલાકૃતિ નાની હોય તો થોડો સમય ઘટી પણ શકે છે. આ પેન્ટિંગ તૈયાર કરવામાં 3000થી વધુ રંગીન લાકડાઓનો ઉપયોગ થાય છે. આ લાકડા કર્ણાટકમાં જોવા મળતા વૃક્ષો પરથી એક્ઠા કરવામાં આવે છે. એક પેન્ટિંગમાં 30 પ્રકારના લાકડા પણ વપરાઈ જાય છે. મૈસુરમાં આ આર્ટના અંદાજિત 150થી 250 આર્ટિસ્ટ્સ એક્ટિવ છે. આ આર્ટના પેન્ટિંગ બનાવવા માટે પહેલા આ આર્ટની ટ્રેનિંગ લેવી બહુ જરુરી છે.
સુરતમાં ઘણા લોકો મૈસુર રોઝવૂડ ઈનલે આર્ટને પસંદ કરી રહ્યા છે. લોકો આ આર્ટને સમ્માન પણ આપી રહ્યા છે. મારી પાસે હાલ 600 રુપિયાથી 80,000 સુધીના પેન્ટિંગ ઉપલબ્ધ છે. આ આર્ટના પેન્ટિંગ બનાવવા માટે પહેલા આ આર્ટની ખાસ ટ્રેનિંગ લેવી પડે છે...મન્સૂર(આર્ટિસ્ટ, મૈસુર રોઝવૂડ ઈનલે આર્ટ, સુરત)