ઈદનો તહેવાર પ્રેમ અને ભાઈચારાનો સંદેશ પાઠવે છે. સુરતના રાંદેર વિસ્તારમાં નમાજ અદા કર્યાની સાથે સરથાણા તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર 22 માસુમોેન મુસ્લિમ બિરાદરો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથોસાથ દોષીઓને સજા થાય તેવા બેનરો પણ લાગ્યા હતા.
રમજાન મહિનાનો ઈદનો ચાંદ દેખાતા મુસ્લિમ સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઈદની નમાજ પહેલા જકાત-ઉલ-ફિત્ર એઠલે કે દાન આપવામાં આવે છે. આખા મહિનાના ઉપવાસ પૂર્ણ થતાં ઈદના દિેન વિભિન્ન વ્યંજનોનું ભોજન અને પરંપરાગત પરિધાન સાથે મુસ્લિમ બિરાદરો શ્રદ્ધા અને ઉત્સાહથી ઈદની ઉજવણી કરે છે. આ દિવસે વિશેષ નમાજ અદા કરવામાં આવે છે. જેમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતભર અને દુનિયાના નાગરિકો સુખ-શાંતિથી રહે અને બધાની પ્રગતિ થાય તેમજ દેશમાં કોમી એખલાસ અને ભાઈચારાનું વાતાવરણ અકબંધ રહે તે માટે પણ દુઆ કરે છે.
સુરતના રાંદેર વિસ્તારમાં ઈદના ખાસ દિવસે ઠેર-ઠેર બેનર જોવા મળ્યા હતા. જેમાં તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડની ઘટના બની તેમાં દોષીઓને સજા થાય તેમજ ઘટનામાં મૃત્ય પામનાર મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
ઈદના દિવસે સહુ કોઈ અમીર-ગરીબ બધા જ ભેદભાવ ભૂલી એકબીજાને પ્રેમથી મળે છે. એક મહિનો રોજા રાખ્યા તેનું અલ્લાહ દ્વારા ઈદના રૂપમાં ઈનામ અપાયું છે. નમાજ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ઈદ મુબારક બાદ પાઠવી હતી. નવા વસ્ત્રોમાં સજ્જ થઈ લોકો એકબીજાના ઘરે ગયા હતા. રમાજન ઈદની ખુશાલી પ્રસંગે શિર-ખુર્માથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.