સુરત : મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઘીના લેવાયેલા નમૂનાઓ ફેલ થતા 10 લાખથી વધુની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કર્યા હોવાની ઘટના સામે આવી હતી. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગત 22મી સપ્ટેમ્બરના રોજ વરાછા ઝોન-એમાં કુલ-10 ફુડ સેફટી ઓફીસરોની અલગ અલગ ત્રણ ટીમો બનાવી વરાછા ઝોન-એ વિસ્તારમાં તપાસ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તે સમય દરમિયાન પુણાગામ, પુણા સીમાડા રોડ ખાતે આવેલ ગોદાવરી પાર્ક સોસાયટીના ઘર નંબર 228માં ફુડ સેફટી ઓફીસરોની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
ઘી ના સેમ્પલ ફેલ થયા : તપાસ દરમિયાન ધરમ એન્ટરપ્રાઈઝના નામની સંસ્થા મળી આવેલ જેમાં સંસ્થાના માલિક દ્વારા શંકાસ્પદ ઘી બનાવતા હોવાનું જણાઈ આવતા ઘી ના નમુનાઓ ફુડ સેફટી ઓફીસરો દ્વારા લઈ તેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્યાં ઘીના સેમ્પલ ફેલ થતા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સંસ્થામાં 1 લીટર, 500 મી.લી, 200 મી.લી. અને 100 મી.લીની પ્લાસ્ટીકની બોટલો ભરવામાં આવી હતી. જે આશરે કુલ 3336 લીટર જેટલું ઘી જપ્ત કરી સીઝ કરવામાં આવેલ છે. જેની અંદાજીત કિંમત 10,00,800 રૂપિયા છે.
આરોગ્ય વિભાગ સતત કાર્યરત : ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ આજ વિસ્તારમાંથી કેરીનો રસ અને રસ ગોલામાં વાપરવામાં આવતા રસના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. જે પણ ફેલ જતા આજ પ્રકારે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે આરોગ વિભાગ દ્વારા સતત વાર તહેવાર હોય અથવા સીઝન પ્રમાણે મળતી તમામ ખાદ્ય પદાર્થોનું સેમ્પલ લેવામાં આવે છે. જેથી આપણું આરોગ્ય સ્વચ્છ અને તંદુરસ્ત રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.