માંગરોળઃ આકરોડ ગામની સીમમાં મિત્રો સાથે પશુ ચરાવી રહેલા એક 11 વર્ષીય બાળક પર માનવ ભક્ષી દીપડાએ હુમલો કર્યો છે. આ જીવલેણ હુમલામાં બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. ઘટનાની ખબર મળતાં જ ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, સુરત જિલ્લા વન વિભાગના DFO, પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગેવાનોએ મૃતક બાળકના પરિવાર સાથે મુલાકાત કરી, શોકગ્રસ્ત પરિવારને સાંત્વના આપી હતી.
શેરડીના ખેતરમાંથી દીપડો ત્રાટક્યોઃ શાળામાં રજા હોવાથી ત્રણ બાળકો પશુઓ ચરાવા સીમમાં ગયા હતા. દરમિયાન શેરડીના ખેતરમાંથી એક ખૂંખાર દીપડો આવ્યો અને સતીશ વસાવા નામના 11 વર્ષીય બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. દીપડાએ બાળકને શેરડીના ખેતરમાં ખેચી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અન્ય બાળકોએ બૂમાબૂમ કરતા દીપડો બાળકને છોડી શેરડીના ખેતરમાં ભાગી ગયો હતો. આ ઘટના વાયુવેગે પ્રસરી જતાં આજુબાજુ ગામના લોકો તેમજ સ્થાનિક વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી.
સવારે આદિવાસી છોકરો પશુ ચરાવવા ગામની સીમમાં ગયો હતો તે દરમિયાન આ દુઃખદ ઘટના બનવા પામી હતી. બનેલ ઘટનાને પગલે વન વિભાગની ટીમ,સ્થાનિક આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા. મૃતક બાળકના પરિવાર શક્ય હશે એટલી મદદ કરીશું...ગણપત વસાવા(ધારાસભ્ય, ભાજપ)
ભાગતો દીપડો મોબાઈલ કેમેરામાં કેદઃ શેરડીના ખેતરમાં ભાગી ગયેલ દીપડો એક સ્થાનિકના મોબાઈલ કેમેરામાં કેદ થયો હતો. આ ફોટાના પ્રાથમિક અનુમાનમાં દીપડો પાંચ વર્ષનો હોવાનું માલુમ પડ્યું છે. વન વિભાગે શેરડીના ખેતરની ફરતે પાંજરા તેમજ ટ્રેપ કેમેરા ગોઠવવાની કામગીરી કરી છે.સ્થાનિકોએ આ માનવભક્ષી દીપડાને સત્વરે જબ્બે કરવા ઉગ્ર માંગણી કરી હતી.