સુરતઃ શહેરમાં માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ખાસ કરીને મોટી મોટી બિલ્ડીંગોમાં લિફ્ટ હોય છે અને આજકાલના નાના બાળકો જાતે જ લિફ્ટ ખોલી ઉપર નીચે જતા રહે છે. ત્યારે શહેરના કતારગામમાં આવેલા લેક ગાર્ડન પાસેના અયોધ્યાનગરમાં 6 વર્ષના બાળકનો પગ લિફ્ટમાં ફસાઈ જતાં તે બૂમાબૂમ કરવા લાગ્યો હતો. તેના કારણે તેના માતાપિતા અને આસપાસના રહીશો દોડી આવ્યા હતા. જોકે, તેમણે બાળકનો પગ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા ન મળતાં આખરે ફાયર વિભાગની મદદ લેવી પડી હતી.
કતારગામ વિસ્તારની ઘટનાઃ મળતી માહિતી અનુસાર, શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા લેક ગાર્ડન પાસે અયોધ્યા નગરમાં 6 વર્ષના બાળકનો પગ લિફ્ટમાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ આસપાસના લોકોએ બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં તેઓ તેને બહાર ન કાઢી શક્યા. આખરે આ અંગે કતારગામ ફાયર વિભાગન કરાતા ફાયરની ટીમે ફાયરના સાધનોથી છોકરાનો પગ બહાર કાઢ્યો હતો. જોકે, બાળકને પગમાં ઈજા પહોંચતા તેને તાત્કાલિક નજીકના ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ નદીમાં અચાનક પાણી વધ્યું, અને આ બે શખ્સો ફસાયા
ફાયર વિભાગે છોકરાનો પગ બહાર કાઢ્યોઃ આ અંગે બાળકના પિતા નવીનભાઈએ જણાવ્યું હતું કે, ગઈકાલે મારો છોકરો નીચે રમતો હતો. ત્યારે લિફ્ટમાં ઉપર આવતા વખતે તેનો પગ લિફ્ટમાં ફસાઈ ફસાઈ ગયો હતો. આ ઘટના સવારે 12 વાગ્યાની આસપાસ બની હતી. ત્યારે અમે લોકોએ પોતે તેનો પગ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ પગ બહાર કાઢી શકાયો નહીં. અંતે અમારે ફાયર વિભાગની મદદ લેવી પડી હતી. ત્યારે ફાયર વિભાગને જાણ કરતા તેઓ 5થી 7 મિનિટમાં આવી ગયા હતા. તેઓ પોતાના સાધન સામગ્રીથી લિફ્ટમાંથી છોકરાનો પગ બહાર કાઢી લીધો હતો.