સુરત: જો તમે ઘર ભાડે આપ્યું છે તો સાવચેત થઇ જાવ. સુરત ખાતેથી એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. ઓલપાડ તાલુકામાં ઘર ભાડે રાખી જુગાર રમી રહેલા જુગારીઓને સુરત એલસીબીએ દબોચી લીધા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે એલસીબી પીઆઇ આર.બી ભટોળે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ સઘન કરાવ્યું હતું અને બાતમીદારોને કામે લગાડ્યા હતા. માહિતી મળતા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
બાતમીના આધારે કાર્યવાહી: એલસીબી ટીમને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે ઓલપાડ તાલુકાના એરથાણ ગામે આવેલ એલીફન્ટ વિલેજ સોસાયટીમાં મકાન નબર A/51 માં સાયણ ગામનો મહેશ તોમર બહારથી માણસોને બોલાવી જુગાર રમાડી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરતા 12 જુગારીઓ ઝડપાયા હતા. દેખરેખ રાખી રહેલા એક ઇસમ સહિત 13 ઇસમોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબી ટીમે આ જુગારીઓ પાસેથી રોકડ, મોબાઈલ, જુગાર રમવાના સાધનો મળી કુલ 2.11 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
'સુરત ગ્રામ્ય વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ ન થાય તે માટે અમારી ટીમ દ્વારા પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોક્કસ બાતમીના આધારે આ જુગારીઓને ઝડપી લીધા છે.તેઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.' -આર.બી ભટોળ, એલસીબી પોલીસ, સુરત ગ્રામ્ય
એલસીબી પોલીસ સક્રિય: એલસીબી પોલીસની કામગીરીની વાત કરીએ તો થોડા દિવસ અગાઉ દેલાડ ગામની સીમમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લીધો હતો. વિદેશી દારૂ મંગાવી ફોર વ્હીલર કારમાં ભરીને અન્યત્ર કાર્ટિંગ કરવાનો હોવાની માહિતીના આધારે એલ.સી.બી એ રેડ કરી દારૂના જથ્થા સાથે 3.57 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચાર બુટલેગરને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી કરી હતી.