સુરત : પલસાણા અને કડોદરા પોલીસ મથક વિસ્તારમાં 24 કલાકમાં અપહરણ બાદ હત્યા અને 9 વર્ષની બાળકી સાથે બળાત્કાર જેવા બે ગંભીર ગુનાઓ બન્યા હતા. ત્યારે સુરત રેન્જ આઈ.જી. ગાંધીનગરની મીટીંગ પૂર્ણ કરી સીધા કડોદરા પોલીસ મથકે પહોંચ્યા હતા. તેમણે કડોદરા ખાતે અપહરણ બાદ હત્યા કરાયેલા મૃતક બાળકના માતા-પિતાની મુલાકાત લીધી હતી. ઉપરાતં પરિવારજનોને સાંત્વના આપી યોગ્ય તપાસની ખાતરી આપી હતી.
અપહરણ અને હત્યા કેસ : બનાવની મળતી વિગત અનુસાર કડોદરાના ક્રિષ્નાનગરમાં રહેતા 12 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. આરોપીએ 15 લાખની ખંડણી માંગ્યા બાદ પકડાઈ જવાની બીકે બાળકની હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં હજી સુધી એક જ આરોપી પકડાયો છે. અન્ય આરોપીની ઓળખ થઈ હોવા છતાં પોલીસ તેને પકડી શકી નથી. જેને લઈને કડોદરામાં વાતાવરણ તંગ જોવા મળી રહ્યું છે.
હાલ એલસીબીની એક ટીમ અને ડીવાયએસપીની બે ટીમ સતત તપાસ કરી રહી છે. બહારની ટીમ પણ તપાસમાં જોતરાઈ છે. જો આ મામલે પોલીસ તપાસમાં કોઈ ખામી જણાય હોય તો તે મામલે પણ આંતરિક તપાસ ચાલી રહી છે. જો એવું જણાશે તો જરૂરથી કાર્યવાહી કરવામાં આવશે. -- વી. ચંદ્રશેખર (રેન્જ IG સુરત વિભાગ)
મૃતકના પરિવાર સાથે મુલાકાત : ત્યારે ગાંધીનગર ખાતે યોજાયેલી ડીજી કોન્ફરન્સમાં સુરત જિલ્લામાં બનેલી આ ઘટનાના ગંભીર પડઘા પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ડીજી કોન્ફરન્સ પૂર્ણ થતાં જ સુરત રેન્જના IG વી.ચંદ્રશેખરન ગાંધીનગરથી સીધા કડોદરા પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મૃતક બાળકના માતા પિતા સાથે વાતચીત કરી હતી. ઉપરાંત નિષ્પક્ષ અને કડક તપાસ કરવાની ખાતરી આપી હતી.
રેન્જ IG પોલીસ કામગીરીથી નારાજ : આ ઘટનાને લઈને રેન્જ આઈ.જી. સ્થાનિક પોલીસની કામગીરીને લઈને પણ નારાજ દેખાયા હતા. તેમણે તપાસમાં જોતરાયેલા કડોદરા જી.આઈ.ડી.સી.ના ડી-સ્ટાફ અને પીએસઆઇને બોલાવીને બંધ બારણે પૂછપરછ કરી પરિસ્થિતીનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત એલસીબી અને કડોદરા પી.આઈ.ની પણ સઘન પૂછપરછ કરી હતી.
આરોપીને ફાંસી આપવા માંગ : સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા કડોદરા પોલીસને આવેદનપત્ર આપી આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસ અને સ્થાનિક વેપારીઓ રેલી યોજી પોલીસ મથકે પહોંચ્યા હતા. તેમણે વહેલી તકે આરોપીને પકડી તમામને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી.