વિજય રૂપાણીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો કમ્પ્યુટરાઈઝ ડ્રો અને ખાતમુહૂર્ત સુરતના ઇન્દોર સ્ટેડિમ ખાતે રાખવામાં આવ્યું હતું. જ્યાં આવાસના લાભાર્થીઓને ગૃહની ચાવી આપતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકોને સંબોધતા જણાવ્યું કે, રાજ્ય સરકારે નક્કી કર્યું છે, કે રાજ્યમાં ઝૂંપડપટ્ટી દૂર થાય અને તેની જગ્યાએ પાકા મકાન મળે તે માટે અમે નવી સ્કીમ લાવી રહ્યા છે. ખાનગી જમીન પર ઝૂંપડાવાસીને બે રૂમ એટલે કે 38 મીટરનું મકાન મળે તે માટે યોજના સરકાર લાવી રહી છે.
હાલ રાજ્યમાં સારો વરસાદ પડતાં રાજ્યના તમામ ડેમ ભરાઈ ગયા છે, વિજય રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતમાં બે આંકડાની ચર્ચા ચાલે છે. એક તો કલમ 370 અને બીજી નર્મદા ડેમ ક્યારે 138 મીટર ઉપર પહોંચશે. બન્ને નિર્ણયો માટે રૂપાણીએ વડાપ્રધાનની કાર્યશેલીના વખાણ કર્યા હતા.
દેશમાં વિકાસ દર ઘટ્યો છે. જેને લઈને દેશભરના લોકોને મંદીની હારમાળામાંથી પસાર થવાની નોબત પડી રહી છે. હાલમાં છેલ્લા છ વર્ષમાં વિકાસદર ઘટીને 5 ટકા પહોંચી ગયો છે. આ અંગે વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે હાલ નાણાંપ્રધાન અનેક બદલાવો લાવી રહ્યા છે. જેના દ્વારા સ્થિતિ સ્થાયી થઈ જશે. વિશ્વમાં જે પરિસ્થિતિ ઉભી થઇ છે, તેના કારણે મંદીનો માહોલ સર્જાયો છે. આ સંઘર્ષને આપણે પાર પાડીશું અને GDPમાં વધારો ફરી થશે.