સુરત : રક્ષાબંધનના પાવન પર્વને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બજારમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે. પરંતુ વાત ડાયમંડ સિટી સુરતની થાય ત્યારે ચોક્કસથી અહીં રાખડીની ડિઝાઇન દેશભરના લોકોને આકર્ષિત કરતી હોય છે. હાલ દેશભરમાં રામ મંદિર અને ચંદ્રયાન 3 માટે ઉત્સુકતા જોવા મળી રહી છે. તેને ધ્યાનમાં રાખી સુરતમાં આ વર્ષે ગોલ્ડ અને સિલ્વર કોઈન પર રામ મંદિર અને ચંદ્રયાન 3ની ડિઝાઈન સાથે રાખડી જોવા મળે છે.
ખાસ ડિઝાઈન : પીએમ મોદી અને સીએમ યોગીની લોકપ્રિયતા સાથો હાલ દેશભરમાં રામ મંદિર અને ચંદ્રયાન 3 ની ચર્ચા ચાલી રહી છે. તેને ધ્યાનમાં રાખીને ખાસ રાખડી ડિઝાઇન કરવામાં આવી છે. ખાસ ગોલ્ડ અને સિલ્વર કોઈન ઉપર અવનવી ડિઝાઇન બનાવવામાં આવી છે. શહેરના જ્વેલર્સ દ્વારા આ વર્ષે ખાસ રાખડી ડિઝાઇન કરવામાં આવી છે. જેમાં પીએમ મોદી, સીએમ યોગી સહિત રામ મંદિર અને ચંદ્રયાન 3ની તસવીર ગોલ્ડ અને સિલ્વર કોઈનમાં ચમકી રહી છે.
સોના-ચાંદીની રાખડી : આ અવનવી રાખડીઓ અંગે જ્વેલર્સ દીપ ચોકસીએ સંપૂર્ણ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે રક્ષાબંધન પર્વ પર ચંદ્રયાન-3, રામ મંદિર, પીએમ મોદી અને સીએમ યોગી પર આધારિત ડિઝાઈનની રાખડી તૈયાર કરી છે. ઘણા લોકો સુપરમેન, બેટમેન અને સ્પાઇડરમેન જેવી રાખડીઓ ખરીદી શકે છે. ત્યારે અમે નેશનલ હીરો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી સાથે રામ મંદિર અને ચંદ્રયાનની ડિઝાઇનની રાખડીઓ બનાવી છે. બીજી બાજુ હાલ વૈશ્વિક રીતે જોવા જઈએ તો વધુ ફોલોવર્સ પીએમ મોદીના છે.
આ રાખડીને સોના અને ચાંદીના સિક્કા ઉપર તૈયાર કરવામાં આવી છે. સોનાની રાખડી 1 ગ્રામથી લઈને 20 ગ્રામ સુધીની છે. જેની કિંમત 7000 થી લઈને 1.20 લાખ રૂપિયા સુધીની છે. સાથે ચાંદીની રાખડીનું વજન 25 ગ્રામથી શરુ થાય છે. જેની કિંમત રુ. 1,000 થી શરૂ થાય છે.-- દીપ ચોકસી (જ્વેલર્સ)
ગ્રાહકોની પસંદ : રાખડી ખરીદવા માટે આવેલ ગ્રાહક તોરલ મહેતાએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનના પર્વ માટે હું રાખડી ખરીદવા માટે અહીં આવી છું. ચંદ્રયાન 3 ડિઝાઇન વાળી રાખડી મને પસંદ આવી છે. જેને મેં સિલ્વર કોઈનમાં ખરીદી છે. કારણ કે, હાલ ગોલ્ડની કિંમત વધારે છે. ચંદ્રયાનની ડિઝાઇન વાળી રાખડી આ રાખડી મેં પસંદ કરી છે. કારણ કે મારા ભાઈને સાયન્ટિસ્ટ બનવું છે અને આ રાખડી જોઈને તેને મોટીવેશન મળશે.