સુરત : શહેરમાં આગના અકસ્માતની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. ત્યારે આજરોજ ફોરેસ્ટ વિભાગ અધિકારીના સરકારી વસાહતમાં વહેલી સવારે ગેસનો બાટલો ફાટવાનો બનાવ બન્યો હતો. બાટલો ફાટ્યા બાદ આગ લાગી જતા અધિકારીની પત્ની અને તેમનો બાળક ગંભીર રીતે દાઝી ગયા હતા. તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ગેસનો બાટલો ફાટ્યો : ગેસનો બાટલો ફાટ્યાનો બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, મકાનની દીવાલમાં ભારે નુકશાન થયું હતું. ઉપરાંત બારીની ગ્રીલ તુટીને બાજુના મકાન પર પડી ગઈ હતી. તે ઉપરાંત આજુબાજુના મકાનના રહેવાસીઓના બારીના કાચ તુટી ગયા હતા. જોકે બાટલો કયા કારણસર ફાટ્યો હતો તે હજી સુધી જાણી શકાયું નથી. ગેસનો બાટલો ફાટી જતા આગ લાગી ગઈ હતી.
વહેલી સવારની ઘટના : આ બાબતે મંજુરા ફાયર વિભાગના ફાયર ઓફિસર દિનેશ દવે દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેઓએ જણાવ્યું કે, આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ ફાયર કંટ્રોલ દ્વારા અમને કોલ આપવામાં આવ્યો હતો. અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ નહેરુ ગાર્ડન ચોપાટીની સામે ફોરેસ્ટ અધિકારીઓની સરકારી વસાહતમાં બંગલા નંબર ત્રણમાં ગેસનો બાટલો ફાટી ગયો છે. અને તેને કારણે આગ લાગી ગઈ છે. જેથી મજુરા અને નવસારી ફાયર વિભાગની ગાડી સાથે અમે ત્યાં પહોંચ્યા હતા.
ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી ત્યારે કિચન એરિયામાં આગ દેખતા એક ટીમ દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ફાયર ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારે બીજી ટીમના સભ્યો ઓક્સિજનનો બાટલો પહેરી બંગલાની અંદર ગયા હતા. જ્યાં અધિકારી અને તેમની પત્ની અને છોકરાઓ અંદર ફસાયા હતા. તેમને સહી સલામત બહાર લાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં ફોરેસ્ટ વિભાગના અધિકારીની પત્ની અને બાળક ગંભીર રીતે દાઝી ગયા હતા.-- દિનેશ દવે (ફાયર ઓફિસર, મંજુરા ફાયર વિભાગ)
બે વ્યક્તિ દાઝ્યા : ફાયર ઓફિસરે વધુમાં જણાવ્યું કે, ફોરેસ્ટ વિભાગના અધિકારીની પત્ની કોસલીયા બેન મનિશ્વર 35 વર્ષના છે. ઉપરાંત તેઓનો પુત્ર સર્વેશ મનિશ્વર 13 વર્ષનો છે. જોકે આ આગના કારણે બંને વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
મકાનોને ભારે નુકસાન : જોકે બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, મકાનની દિવાલ તુટી ગઈ હતી. ઉપરાંત બારીની ગ્રીલ તુટીને બાજુના મકાન પર પડી ગઈ હતી. તે ઉપરાંત આજુબાજુના રહેવાસીઓના મકાનની બારીના કાચ તુટી ગયા હતા. અકસ્માત અંગે માહિતી મળતા જ ટોરેન્ટ પાવર, ગુજરાત ગેસ કંપની અને ઉમરા પોલીસના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે બાટલો કયા કારણસર ફાટ્યો હતો તે હજી સુધી જાણી શકાયું નથી.