સુરત: જો તમે રોજ કબૂતરને દાણા નાખતા હોવ તો ચેતજો !!! સુરતમાં રોજ કબુતરને ચણ નાખતા 68 વર્ષીય પંકજ દેસાઈને સતત કબુતરના સંપર્કમાં આવતા ફેફસાનું ઈન્ફેક્શન થતા તેમને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મૃતકને છેલ્લી સ્ટેજનું હાયપર સેન્સિટિવિટી ન્યૂમોનિયાનું ઈન્ફેકશન થયું હતું. તેમણે કબુતરની ચરકના કણો શ્વાસમાં જતા આ રોગ થયો હતો.
સમગ્ર ઘટનાક્રમઃ સુરત શહેરના ઘોડદોડ રોડ વિસ્તાર ખાતે નંદનવન સોસાયટીમાં પૂર્વ ટોરેન્ટ કંપનીના કર્મચારી 68 વર્ષીય પંકજ દેસાઈ રહેતા હતા. રીટાયરમેન્ટ બાદ તેઓ રોજ પૂજા પાઠ કર્યા બાદ ટેરેસ પર કબુતરોને દાણા નાખતા હતા. દાન અને પુણ્યની ભાવનાથી તેઓ રોજે રોજ આ પ્રક્રિયા કરતા હતા. તેમને ખબર નહોતી કે તેમની આ સદ્દભાવનાના કારણે તેમને ઇન્ફેક્શન પણ થઈ શકે છે અને જીવ પણ ગુમાવવો પડશે. પંકજ દેસાઈ 2 વર્ષ અગાઉ હાયપર સેન્સિટિવિટી ન્યૂમોનિયાનો શિકાર થયાં હતાં. આ રોગ કબૂતરની ચરકના કણો શ્વાસમાં જવાથી થાય છે. શરુઆતમાં પંકજ દેસાઈને સતત ખાસી આવતી હતી. ત્યારબાદ ધીમે ધીમે ફેફસામાં આ ઈન્ફેક્શન વધતું જાય ગયું. એક સમય એવો આવ્યો કે પંકજ દેસાઈના શરીરનું ઓક્સિજન લેવલ સાવ ઓછું થઈ ગયું હતું. આખરે તેમણે જીવ ગુમાવવો પડ્યો છે.
મારા ભાઈ પંકજ દેસાઈ રોજ પૂજા કરીને ટેરેસ પર જઈ કબૂતરોને દાણા નાખતા હતા. તે દરમિયાન ચરકના કારણે ઈન્ફેક્શન થતાં તેમની તબિયત લથડી હતી. અમે ડોક્ટરને બતાવ્યું ત્યારે અમને જાણ થઈ કે કબૂતરના ચરકના કારણે ફેફસામાં ઇન્ફેક્શન થયું છે. 2 વર્ષ દવા કરાવી જો કે ઈન્ફેક્શન વધતું જ ગયું. એલર્જી ની પણ દવા કરાવી હતી. ત્યારે ખબર પડી કે તેમને સીએમબી વાયરસ થયો છે. વધારે ઈન્ફેક્શન થઈ જતા ઓક્સિજન લેવલ ઘટી ગયું અને તેઓ મૃત્યુ પામ્યા...કમેલશ દેસાઈ(મૃતકના ભાઈ, સુરત)
મૃતક વૃદ્ધને હાયપર સેન્સિટિવિટી નિમોનિયા બીમારી છેલ્લા 2 વર્ષથી હતી. વચ્ચે તેમની કન્ડિશન સ્ટેબલ પણ હતી પરંતુ છેલ્લા 1 મહિનાથી તબિયત વધારે લથડી ગઈ હતી. ઈન્ફેક્શન ઘણું ફેલાઈ ગયું હતું. આ બીમારી મોટાભાગે કબુતરની ચરકથી થાય છે. આ બીમારીના એક્યુટ, સબ એક્યુટ અને ક્રોનિક એમ 3 સ્ટેજ હોય છે. જો પ્રારંભિક રીતે સારવાર મળી જાય તો આ બીમારીમાંથી કાયમી બચી શકાય છે. જો એકવાર બીમારી ક્રોનીક સ્ટેજમાં પહોંચી જાય તો તેમાંથી બચવું મુશ્કેલ છે. મોટાભાગના દર્દીઓ ક્રોનિક સ્ટેજમાં ઓક્સિજન પર આવે છે. જો ઈન્ફેક્શન રીકવર ન થાય તો દર્દીનું મૃત્યુ પણ થાય છે...ડૉ. તરેશ પટેલ(ચેસ્ટ ફિઝિશિયન અને એલર્જી સ્પેશિયાલિસ્ટ, સુરત)
શું કાળજી રાખવી?: મૃતક પંકજ દેસાઈના ડૉ. તરેશ પટેલે આ રોગમાં રાખવા જેવી કાળજીનું ખાસ સૂચન કર્યુ છે. જેમાં બને ત્યાં સુધી કબુતરના સંપર્કમાં આવવું ટાળવું જોઈએ. જે સ્થાને કબુતરની ચરક હોય ત્યાં ન જવું જોઈએ. ઘરની આજુબાજુ જો કબુતરની ચરક જમા થઈ હોય તો તેને તાત્કાલિક દૂર કરવી જોઈએ. ઘરની બાલ્કની અને વિન્ડો પર બર્ડ નેટ લગાવી જોઈએ. જો કબુતરને દાણા નાખવા જવું હોય તો માસ્ક લગાડીને જવું જોઈએ.