- સુરત જિલ્લા ખેડૂત સમાજે પલસાણા મામલતદારને આપ્યું આવેદન
- આ કાયદાથી ખેડૂતોને થશે અન્યાય
- ખેડૂતોએ એકસૂર થઈ લડત લડવાનું નક્કી કર્યું
બારડોલી: સુરત જિલ્લા ખેડૂત સમાજે ગુરુવારના રોજ કૃષિ કાયદો 2020ના વિરોધમાં રાષ્ટ્રપતિને ઉદ્દેશીને પલસાણા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આ સાથે જ ખેડૂતોએ એકસૂરે લડત આપવાનું નક્કી કર્યું હતું.
રાષ્ટ્રપતિને ઉદ્દેશી આપ્યું આવેદનપત્ર
સુરત જિલ્લા ખેડૂત સમાજે કૃષિ કાયદો 2020ના વિરોધમાં રાષ્ટ્રપતિને ઉદ્દેશીને પલસાણા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આ કાયદાને લીધે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જેથી તમામ ખેડૂતોએ એકસૂરે લડત આપવાનું નક્કી કર્યું હતું.
આ કાયદાથી સંગ્રહખોરીને છૂટોદોર
આ અંગે સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલ(એના)એ જણાવ્યું હતું કે, સરકારે આ કાયદો પાછો ખેંચવો જ પડશે. નહીંતર ભવિષ્યમાં ખેડૂતો સાથે ગંભીર અન્યાય થશે અને એને કોઈ રોકી નહીં શકે. કારણ કે, નવા સુધારાયેલા આ કાયદામાં MSPનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેથી આ સુધારામાં સંગ્રહખોરીને છૂટોદોર આપી દેવામાં આવ્યો છે.
નવા કાયદો પૂંજીપતિઓ માટે
આ કાયદો પૂંજીપતિઓને ફાયદો કરાવનારો હોય એ પ્રમાણે કોન્ટ્રાકટ ફાર્મિંગમાં ન્યાયની તમામ સત્તા કલેક્ટર સ્તરે ફાળવી દેવામાં આવી છે અને હાઈકોર્ટ-સુપ્રીમકોર્ટ જેવી ન્યાય પ્રક્રિયાને આમાંથી બાકાત રાખી ખેડૂતોને ન્યાયથી વંચિત રાખવામાં આવ્યા છે. જેથી આ કાયદાના વિરોધમાં જે ખેડૂતો દિલ્લીમાં આંદોલન કરી રહ્યા છે, તે તમામ ખેડૂતોને સુરત જિલ્લા ખેડૂત સમાજે સમર્થન જાહેર કર્યું છે.