સુરત : જે રીતે આખા વિશ્વમાં હીરાની ચમક માટે સુરત જાણીતું છે. તેવીજ જ રીતે હાલના દિવસોમાં જ્યારે ક્રિકેટની વાત કરવામાં આવે તો, સ્ટાર ક્રિકેટર તરીકે વિશ્વભરમાં વિરાટ કોહલીએ પોતાની અલગ છબી ધરાવે છે. વિરાટ કોહલી ના ચાહકો તેમની માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. સુરતમાં તેમના એક એવા ચાહકે તેમની માટે રીયલ હીરામાંથી બેટ તૈયાર કરાવ્યું છે. આ બેટની બજાર કિંમતની વાત કરવામાં આવે તો દસ લાખથી પણ વધુ હોઈ શકે છે.
વિરાટ કોહલી માટે ખાસ બેટ તૈયાર : રીયલ ડાયમંડને સિંગલ પીસમાં બેટનું સ્વરૂપ આપનાર કંપનીના ડિરેક્ટર ઉત્પલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, હીરા છે જે સિંગલ પીસ છે અને કુદરતી પણ છે અને તેને ક્રિકેટ બેટનો આકાર આપવામાં આવ્યો છે. 1.04 કેરેટ કુદરતી હીરાને બેટ તરીકે કટિંગ અને પોલિશ કરવામાં આવેલ છે. અગત્યની વાત એ છે કે, બેટને દરેક ખૂણાઓથી પોલિશ કર્યું છે. આ રિયલ ડાયમંડ છે એ સ્પષ્ટ પણે જોવા મળે આ માટે અમે તેનાં વ્યૂહાત્મક ક્ષેત્રોને જાણી જોઈને હીરાના સ્કીન જાળવી રાખ્યા છે. એક મહિનામાં આ રિયલ ડાયમંડને બેટમાં રુપમાં આકાર આપ્યો છે.
બેટ બનાવવા માટે એક મહિનાનો સમય લાગ્યો : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ બેટ સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ દ્વારા તૈયાર કરાવવામાં આવ્યું છે. આ બેટ બનાવવા પાછળ બે ઉદ્દેશ છે એક તો ઉદ્યોગપતિ પોતાના ક્રિકેટપ્રેમને પોતાના પ્રિય ક્રિકેટરને બતાવવા માંગે છે અને બીજું કે હાલ જે રીતે લેબગ્રોન ડાયમંડની કિંમત ઘટી છે અને રિયલ ડાયમંડની કિંમતમાં વધારો થયો છે. રીયલ ડાયમંડની ગુણવત્તા તેની કિંમત અને અન્ય વસ્તુઓ અંગે લોકોને કઈ રીતે માહિતી મળી રહે તે માટે આ ખાસ ઉદ્દેશ્ય છે. રીયલ ડાયમંડથી બેટ બનાવવા માટે અમે અગાઉ એક કેરેટ નેટ બનાવવાની હતી. પરંતુ જોકે શક્ય નહીં રહેતા અમે ટેકનિકલ કારણસર 1.04 કેરેટનું આ બેટ તૈયાર કર્યું છે.