સુરત : ડાયમંડ સિટી સુરતમાં ફરી એક વખત લાખો રૂપિયાના હીરાની ચોરીની ઘટના બની છે. એક દિવસ પહેલા ડાયમંડ યુનિટમાં ચોર નોકરી માંગવા માટે આવ્યો હતો. તે જ આરોપી બીજા દિવસે ચાલુ યુનિટમાં પ્રવેશ કરી સહેલાઈથી 48.86 લાખ રૂપિયાના હીરાની ચોરી કરી ફરાર થઈ જાય છે. યુનિટમાં કામ કરી રહેલા રત્નકલાકાર સહિત અન્ય કર્મચારીઓને ખબર સુધા પડતી નથી. આ સમગ્ર મામલે CCTV ફૂટેજના આધારે કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધી ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
શું હતો સમગ્ર મામલો : શહેરના કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાં મોહન નગર ખાતે ખાતા નંબર 26,27 સંત આશિષ ડાયમંડ નામની એક ડાયમંડ યુનિટમાં લાખો રૂપિયાના હીરાની ચોરી થતા પોલીસે દોડતી થઈ હતી. સવારે 8:00 વાગ્યાના અરસામાં જ્યારે હીરાના કારખાનાના માલિક યુનિટ પર પહોંચ્યા અને જોયું ત્યારે ખબર પડી કે 48.86 લાખના 148 કેરેટના હીરાની ચોરી થઈ છે. આ અંગે જ્યારે CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી હતી, ત્યારે એક અજાણ્યો શખ્સ યુનિટમાં પ્રવેશ કરી લાખો રૂપિયાના હીરાની ચોરી કરી નાસી જાય છે તે સ્પષ્ટ પણે જોવા મળે છે. આ અંગે કંપનીના માલિકે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
નોકરીના બહાને રકી : ઉલ્લેખનીય છે કે, ચોરી કરનાર શખ્સ એક દિવસ પહેલા જ કંપનીમાં આવી નોકરી કરવાની ઈચ્છા બતાવી હતી. આ શખ્સને બીજા દિવસે આવવાનું મેનેજમેન્ટે જણાવ્યું હતું. પોલીસ માની રહી છે કે નોકરી ના બહાને આરોપી યુનિટમાં રેકી કરવા આવ્યો હતો. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે લાલ રંગના શર્ટમાં જ્યારે ડાયમંડ યુનિટ શરૂ થઈ ત્યારે મોઢા પર રૂમાલ બાંધીને આ શખ્સ સહેલાઈથી યુનિટમાં પ્રવેશ કરે છે. યુનિટમાં અનેક લોકો કામ કરી રહ્યા છે, પરંતુ કોઈની નજર આ શખ્સ પર જતી નથી અને આ સહેલાઈથી લાખો રૂપિયાના હીરાની ચોરી કરી નાસી જાય છે.
આ પણ વાંચો : Vadodara Crime: સગીર બાળક લગ્નપ્રસંગમાંથી 1.50 લાખની ચોરી કરી ફરાર, પણ CCTVમાં ઝડપાઈ ગ્યો
ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા : ACP પી.કે.પટેલે જણાવ્યું હતું કે, સવારે ખાતાના માલિકને ખબર પડી હતી કે તેમના 148 કેરેટ હીરા તેની કુલ કિંમત 48.86 લાખ કોઈ ચોરે ચાલુ ખાતું હતું તે દરમિયાન પ્રવેશ કરીને ચોરી કરી લઈ ગયા છે. આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત પણ લીધી છે.
આ પણ વાંચો : Theft In Temple: મંદિરમાં ચોરી કરવા આવેલા ચોરનો પ્લાન નિષ્ફળ જતા મંદિરમાં સુઈ ગયો, સવારે ઉઠ્યો તો થઇ ધરપકડ
સહેલાઈથી કરી ચોરી : તેઓએ જણાવ્યું હતું કે, ચોરીની ઘટનાને ધ્યાનમાં રાખી કાપોદ્રા પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. ઘટના બની ત્યારબાદ પોલીસે CCTV ફૂટેજ પણ તપાસ કર્યા છે. એક CCTVમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે એક શખ્સ ખાતામાં પ્રવેશ કરે છે. યુનિટ ચાલુ હતું અને લોકો કામ કરી રહ્યા હતા તે વચ્ચેથી આ શખ્સ પસાર થાય છે અને ત્યાંથી હીરાની ચોરી કરી નાસી જાય છે.