સુરત : વૈશ્વિક મંદીની અસર હવે સુરત હીરા ઉદ્યોગમાં પણ જોવા મળી રહી છે. દિવાળી પર્વ પહેલા મંદીના કારણે હવે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો તેમજ વેપારીઓએ રફ હીરાનું વેચાણ સ્થગિત કરવા માટે વિદેશની અનેક કંપનીઓને વિનંતી કરી છે. રશિયાની અલ્ઝોરા કંપની બે મહિના સુધી રફ વેચાણ નહીં કરવા માટે નિર્ણય પણ લઈ લીધો છે. જોકે રફની ખરીદી ન હોવાના કારણે સીધી અસર રત્ન કલાકારોને થઈ શકે છે. આ માટે પણ ઉદ્યોગકાર અને વેપારી ચિંતિત છે.
હીરા ઉદ્યોગને મંદીની અસર : સુરત શહેરના હીરા ઉદ્યોગપતિ અને વેપારીઓએ વૈશ્વિક મંદીને ધ્યાનમાં રાખી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સાથે બેઠક કરી હતી. તેમજ રફની ખરીદી ન કરવાનો નિર્ણય પણ લીધો હતો. સાથો સાથ જીજેઇપીસીએ વિશ્વની અન્ય કંપનીઓને રફ હીરાનું વેચાણ સ્થગિત કરે આ માટે રજૂઆત પણ કરી છે. તેમાંથી રશિયાની રફ કંપની નવેમ્બર અને ઓક્ટોબર માસમાં રફ ડાયમંડનું વેચાણ કરશે નહીં. આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની ઘટતી જતી માંગ અંગેની ચિંતા વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. માંગ અને સપ્લાયની બનેલી પરિસ્થિતિના કારણે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ખોટના ખાડામાં જઈ રહી છે.
વૈશ્વિક મંદીની અસર હીરા ઉદ્યોગમાં જોવા મળી છે. GJEPC માધ્યમથી ઇન્ડસ્ટ્રીના લોકો સાથે મીટીંગ કરવામાં આવી હતી. નિર્ણય લેવાયો છે કે, તમામ માઈનર્સ પોતાનો રફ મટીરીયલ સેલ ન કરે તે રિક્વેસ્ટ કરવામાં આવશે. રત્ન કલાકારોને કોઈ સમસ્યા ન થાય આ માટે તકેદારી રાખવામાં આવશે. -- દિનેશ નાવડીયા (પૂર્વ ચેરમેન, GJEPC)
હીરા વેપારીઓની બેઠક : સુરત શહેરના અગ્રણી હીરા વેપારી અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પૂર્વ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી કટ એન્ડ પોલિશ મંદીનો માહોલ છે. જેની પાછળ વૈશ્વિક મંદી છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના માધ્યમથી ઇન્ડસ્ટ્રીના લોકો સાથે મીટીંગ કરવામાં આવી હતી. મીટીંગની અંદર આ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરી શકાય તે અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ પહેલા પણ બે વાર આવી ઘટના બની ચૂકી છે. કાઉન્સિલે ઇન્ડસ્ટ્રીના લોકો ઈમ્પોર્ટ ન કરે તે નિર્ણય લીધો હતો. જે ઇન્ડસ્ટ્રીના હિતમાં હતો. આ વખતે પણ નિર્ણય લેવાયો છે કે, તમામ માઈનર્સ પોતાનો રફ મટીરીયલ સેલ ન કરે તે રિક્વેસ્ટ કરવામાં આવશે.
રત્ન કલાકારોની ચિંતા : દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, પ્રથમ રિક્વેસ્ટ અમે રશિયાના અલરોઝા કંપનીને કરી છે. જેથી અલરોઝા કંપનીએ બે મહિના સુધી રફ કોઈને નહીં વેચવાનો નિર્ણય લીધો છે. આ ઇન્ડસ્ટ્રીના હિતની વાત છે. સાથે સુરતની અંદર અનેક રત્ન કલાકારો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. બે મહિના સુધી જો રફ ખરીદવામાં નહીં આવે તો રત્ન કલાકારોને રોજગાર કઈ રીતે મળશે એ પ્રશ્ન હાલ ચાલી રહ્યો છે. આવનાર દિવસોમાં દિવાળી છે, જેથી જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલે તમામ ઇન્ડસ્ટ્રીના લોકો સાથે બેઠક કરી રત્ન કલાકારોને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે અંગેની પણ ચર્ચા હાથ ધરવામાં આવી છે. આશા છે કે ઇન્ડસ્ટ્રી દિવાળીના સમયે રત્ન કલાકારોને કોઈ સમસ્યા ન થાય આ માટે તકેદારી રાખશે.