સુરત : 17મી ડિસેમ્બરના રોજ વિશ્વનો સૌથી વિશાળ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવા જઈ રહ્યા છે. પરંતુ ઉદ્ઘાટન પહેલા આ ઓફિસને લઈ વિવાદ સર્જાયો છે. ડાયમંડ બુર્સનું નિર્માણ કરનાર કંપનીએ બિલ પેમેન્ટ પૂર્ણ નહીં થતા કોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં. 538 કરોડ રૂપિયા ન ચૂકવાતા કંપની કોર્ટમાં પહોંચી હતી. સુરત સેશન્સ કોર્ટે હુકમ કર્યો છે કે એક સપ્તાહની અંદર ડાયમંડ બુુર્સના વહીવટદારો 100 કરોડ રૂપિયાની બેંક ગેરેન્ટી જમા કરાવે.
શું છે વિવાદ : ઉદ્ઘાટન પહેલા સુરત ડાયમંડ બુર્સ વિવાદમાં છે. આરોપ છે કે વર્લ્ડ ક્લાસ ડાયમંડ બુર્સ બનાવનાર પીએસપી લિમિટેડ કંપનીના લીગલ બિલોની ચુકવણી આજ દિન સુધી સુરત ડાયમંડ બુર્સ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી નથી. 538 કરોડ રૂપિયાના બિલ બાકી રહેવાના કારણે કંપની તરફથી સુરત સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કંપનીએ અરજીમાં બાકી નીકળતા 538 કરોડ રૂપિયાની સાથોસાથ વ્યાજ મળીને કુલ 631 રૂપિયાનો દાવો કર્યો છે.
કંપનીની રાવ વધુ સુનાવણી 16 ડિસેમ્બરના રોજ કંપનીના વકીલ ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, વર્લ્ડ ક્લાસ અને ભવ્ય સુરત ડાયમંડ બુર્સનું બાંધકામ કરનાર કંપનીને મેનેજમેન્ટ તરફથી 538 કરોડ રૂપિયાના બિલ બાકી છે. જેથી કંપનીએ ન્યાય મેળવવા માટે કોર્ટનો સહારો લીધો છે. કોર્ટે આદેશ કર્યા છે કે અઠવાડિયા દરમિયાન સુરત ડાયમંડ તરફથી 100 કરોડ રૂપિયાની બેંક ગેરેન્ટી જમા કરાવવામાં આવે. જોકે આ સમગ્ર મામલે વધુ સુનાવણી 16મી ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.
ટ્રસ્ટીઓનું જુદું નિવેદન : જ્યારે આ મામલે સુરત ડાયમંડ બુર્સના ટ્રસ્ટી લાલજી પટેલે જણાવ્યું હતું કે સુરત ડાયમંડ બુર્સનું બાંધકામ પીએસપી કંપનીને આપવામાં આવેલું હતું. બાંધકામ શરૂ થયું ત્યારથી કંપની તરફથી જેમ જેમ બાંધકામના બિલિંગ સર્ટિફિકેટ મળતા ગયા છે તેમ તેમ સમયસર રકમની ચૂકવણી કરવામાં આવી છે. ક્યારે પણ પેમેન્ટ મોડું કરવામાં આવ્યું નથી. જરૂર લાગે તો પીએસપી કહેવા પર એડવાન્સ પણ પૈસા આપવામાં આવ્યા છે. હવે કોરોના સમય દરમિયાન કંપની તરફથી માંગણી કરવામાં આવી હતી તેમ છતાં તમામ શ્રમિકોને પેકેટ પાણી અનાજ સહિત તમામ જરૂરિયાતની વસ્તુઓ ડાયમંડ બુર્સ તરફથી આપવામાં આવ્યા હતાં. એમની માંગણી સંપૂર્ણ રીતે નિરાધાર અને બોગસ છે. કાયદેસર જે પણ આપવાનો છે તેમાં એક પણ રૂપિયા નીકળતો નથી. એમના કાયદેસરના બિલ સામે અમે 98 ટકા રૂપિયા ચૂકવી દીધા છે. જ્યારે બે ટકા રકમ બિલ સર્ટિફાઇડ થાય તે પછી સુરત ડાયમંડ બુર્સ ચૂકવી આપશે.